Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

કોંગ્રેસ નેતા જગદીશ શર્મા કોરોનાની ત્રીજી લહેરને ટાંકીને પાંચ રાજ્યોની ચૂંટણીને સ્થગિત કરાવવા પહોંચ્યા હાઈકોર્ટ

‘રાહુલ પ્રિયંકા સેના’ નામનું સંગઠન બનાવનારા શર્માએ અરજીમાં કોર્ટને વિનંતી કરી કે વાયરસનું ઓમિક્રોન પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી ચૂંટણી સ્થગિત કરવામાં આવે

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા જગદીશ શર્માએ કોવિડ-19ની ત્રીજી લહેરને ટાંકીને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. ‘રાહુલ પ્રિયંકા સેના’ નામનું સંગઠન બનાવનારા શર્માએ અરજીમાં કોર્ટને વિનંતી કરી છે કે વાયરસનું ઓમિક્રોન પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેથી ચૂંટણી સ્થગિત કરવામાં આવે.

શર્માએ અરજીમાં કહ્યું છે કે આગામી 10 દિવસમાં રોગચાળાની ત્રીજી લહેર આવી શકે છે અને આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોને આવશ્યક સેવાઓ અને સામાનની સપ્લાય કેવી રીતે કરવી તે અંગેની યોજનાઓ રજૂ કરવા માટે કહેવામાં આવે.

તેમણે કોર્ટને વિનંતી કરી કે સરકારોને ઓક્સિજનની ઉપલબ્ધતા અને વિતરણ અંગેની યોજના સોંપવા અને ચૂંટણી પંચને પાંચ રાજ્યોમાં ચૂંટણી થોડા અઠવાડિયા કે મહિનાઓ સુધી મુલતવી રાખવાનો નિર્દેશ આપવા જણાવે. શર્માએ અરજીમાં જણાવ્યું હતું કે, “કોર્ટે આદેશની રિટ જારી કરવી જોઈએ અને ચૂંટણી પંચને પાંચેય રાજ્યોમાં ચૂંટણી થોડા સમય માટે મુલતવી રાખવાનો નિર્દેશ કરવો જોઈએ.”

વધુમાં તેમણે કહ્યું કે  દિલ્હી સરકારને ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવાથી પરત આવેલા લોકોને 14 દિવસ કે તેથી ઓછા સમય માટે ક્વોરેન્ટાઈન કરવા માટે નિર્દેશ કરવો જોઈએ, ઉલ્લેખનીય છે કે, આ રાજ્યોમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવશે.

(12:28 am IST)