Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

હિન્દુ દેવી દેવતાઓ ઉપર વાંધાજનક દ્રશ્યોના વિવાદમાં ઘેરાયેલ વેબસિરીઝ ‘તાંડવ’ના નિર્માતાની ધરપકડ ઉપર રોક લગાવવા સુપ્રિમ કોર્ટનો ઇન્કાર

મુંબઈ/નવી દિલ્હી: વેબ સીરિઝ તાંડવમાં હિન્દુ દેવી-દેવતાઓ પર વાંધાજનક દ્રશ્યો દર્શાવવાને લઈને વિવાદોમાં ઘેરાયેલા એક્ટર, નિર્માતા અને એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી કોઈ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે અભિનેતા મોહમ્મદ જીશાન અય્યુબ, એમેઝોન પ્રાઈમ વીડિયો (ઈન્ડિયા) અને તાંડવના નિર્માતાઓને તેમના વિરુદ્ધ દાખલ વિવિધ FIRમાં ધરપકડથી સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, આગોતરા જામીન કે FIR રદ્દ કરાવવા માટે તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે. કોર્ટે એ પણ કહ્યું કે, અભિવ્યક્તિની આઝાદી અનંત ના હોઈ શકે.

જસ્ટિસ અશોક ભૂષણની આગેવાનીમાં 3 જજોની પીઠે તાંડવ વેબ સીરિઝના કલાકાર અને નિર્માતાઓ તરફથી તેમના વિરુદ્ધ 6 રાજ્યોમાં દાખલ કરવામાં આવેલી FIRએ ક્લબ કરવાની માંગ પર નોટિસ પાઠવી છે. જો કે જસ્ટિસ આરએસ રેડ્ડી અને એમઆર શાહે આગોતરા જામીન આપવાની અરજી ફગાવી દીધી છે.

પીઠનું કહેવું છે કે, તમે એવા કોઈ પાત્રની ભૂમિકા ના ભજવી શકો, જે કોઈ સમાજ કે ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી હોય.

જણાવી દઈએ કે, વેબ સીરિઝના કલાકાર અને નિર્માતાઓએ ધાર્મિક લાગણી દુભાવવા અને ધર્મનું અપમાન કરવાના ગુનાહિત કૃત્ય આચર્યું છે. જે ભારતીય દંડ સંહિતાની કલમ 153એ અને 295 અંતર્ગત સજાને પાત્ર ગુનો છે.

20 જાન્યુઆરીએ બૉમ્બે હાઈકોર્ટે આરોપીઓને 3 અઠવાડિયા માટે ધરપકડથી બચવા માટે સુરક્ષા આપી હતી. જેથી તેઓ અલાહાબાદ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી શકતા હતા. જો કે આરોપીઓએ તમામ કેસોમાં સુરક્ષાની માંગ માટે સુપ્રીમ કોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા.

(5:07 pm IST)