Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

ખેડૂતોની ટ્રેકટર રેલીમાં ૩૦૦થી વધુ પોલીસને ઇજા

આઠ બસો અને ૧૭ ખાનગી વાહનોને નુકસાન

નવી દિલ્હી તા. ૨૭ : પ્રજાસત્તાક દિન પર રાષ્ટ્રીય પાટનગરમાં ખેડૂત ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં ૩૦૦ થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે આજે તેના વિશે માહિતી આપી છે. આજે સવાર સુધી પોલીસે ઉપદ્રવના કેસોમાં કુલ ૨૨ એફઆઈઆર નોંધી છે.

લોકનાયક હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.સુરેશ કુમારે જણાવ્યું હતું કે ટ્રેકટર પરેડમાં ઘાયલ થયેલા કુલ ૮૬ લોકોને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે પૈકી, ૭૪ પોલીસ અને ૧૨ આંદોલનકારીઓ હતા. ૮૬ લોકોમાંથી ૨૨ લોકોને લોક નાયક હોસ્પિટલમાં અને ૬૪ લોકોને સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સુરેશ કુમારે જણાવ્યું કે હાલમાં બુધવારે પાંચ જણાને એડમિટ કરવામાં આવ્યા છે. બાકીની પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલમાં દાખલ કરાયેલા પાંચમાંથી ત્રણ પોલીસકર્મીને માથામાં ઈજા અને ફ્રેકચરની સમસ્યા છે. દિલ્હી પોલીસે કહ્યું કે મોટાભાગના પોલીસકર્મી મુકરબા ચોક, ગાઝીપુર, આઇટીઓ, સીમાપુરી, નાંગલોઇ ટી પોઇન્ટ, ટીકરી બોર્ડર અને લાલ કિલ્લા પર થયેલી હિંસામાં ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અસામાજિકોએ ડીટીસીની આઠ બસો સહિત ૧૭ ખાનગી વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. ગાઝીપુર, સિંઘુ અને ટીક્રી બોર્ડર પર વિરોધીઓ દ્વારા પોલીસ બેરિકેડ પણ તોડવામાં આવ્યા હતા.

(3:44 pm IST)