Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ ૧૫ FIR

દિલ્હીઃ ટ્રેકટર પરેડ દરમ્યાન થયેલી હિંસામાં ૧૫૦ પોલીસ કર્મચારી ઘાયલઃ બેની હાલત ગંભીર

નવી દિલ્હી, તા.૨૭: મંગળવારે પ્રજાસત્તાક દિવસ નિમિત્ત્।ે રાજધાની દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોએ ઉગ્ર પરિસ્થિતિનું નિર્માણ કર્યું. ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ઘ ટ્રેકટર પરેડ કરી રહેલા ખેડૂતોના વિશાળ જૂથે ઐતિહાસિક લાલ કિલ્લા પર તોફાનો કર્યા અને ત્યાં પોતાના ધાર્મિક ધ્વજ લગાડ્યા. આ દરમિયાન વાહનોમાં તોડફોડ, પોલીસ સાથે અથડામણ, તલવારબાજી જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ ટ્રેકટર પરેડ હિંસામાં ૧૫૦થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જયારે બે લોકોની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રેકટર રેલી દરમિયાન એકલા દ્વારકા જિલ્લામાં મોહન ગાર્ડન પોલીસ સ્ટેશનના એસએચઓ સહિત તેના ૩૦ કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ પોલીસ જવાનોમાંથી ૨૨ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એલએનજેપીમાં દાખલ બે પોલીસકર્મીની હાલત નાજુક છે. માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી હાલમાં તેમને ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

મંગળવારે ટ્રેકટર પરેડ દરમિયાન વિરોધ કરી રહેલા એક ખેડૂતનું પણ મોત નીપજયું હતું. પોલીસે દાવો કર્યો હતો કે આઇટી બેરિકેડ્સ હટાવતી વખતે તેનું ટ્રેકટર પલટાયું હતું જેને કારણે દ્યટનાસ્થળે જ મોત નીપજયું હતું. જો કે, કેટલાક વિરોધીઓએ દાવો કર્યો છે કે પોલીસે ખેડૂતને માથામાં ગોળી મારી હતી, જેના પગલે તેનું મોત નીપજયું હતું.

જણાવી દઈએ કે, પોલીસ અને ઉગ્ર વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે થયેલી અથડામણમાં બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોહન ગાર્ડન પોલીસ સ્ટેશનના એસએચઓ પણ હતા, તેમના બંને હાથમાં ફ્રેકચર થયા છે. ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટે દિલ્હીમાં નીકળેલી ખેડુતોની ટ્રેકટર પરેડમાં થયેલી હિંસા સંદર્ભે પોલીસે અત્યાર સુધી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ૧૫ એફઆઈઆર નોંધી છે. એટલું જ નહીં, ટ્રેકટર પરેડમાં ધમાલ થતાં લાલ કિલ્લાની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

(10:18 am IST)