Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી:ઈજા કોઈને પણ થાય નુકશાન દેશને થશે:દેશહિતમાં કૃષિ-વિરોધી કાયદા પરત લો: રાહુલ ગાંધી

નવી દિલ્હી : પ્રજાસત્તાક દિવસે રાજધાની દિલ્હીમાં નીકળેલી ખેડૂત રેલી અમુક સ્થળોએ બેકાબુ બની હતી. તેમજ અમુક સ્થળોએ પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી અને કાયદા પરત લેવાવવા જોઈએ. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હિંસા કોઈ સમસ્યાનો અંત નથી. ઈજા કોઈને પણ થાય નુકશાન આપણા દેશને થશે. દેશહિતમાં કૃષિ-વિરોધી કાયદા પરત લો.

મોદી સરકારના વિવાદિત કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદની સીમાઓ પર છેલ્લા બે માસથી કાયદા પરત લેવા માટે આંદોલન કરી રહ્યા છે. જેમાં આજે ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં કિસાન ટ્રેક્ટર પરેડનું આયોજન કર્યું હતું. તેમજ ખેડૂતોએ પોલીસે નક્કી કરેલા રૂટ અને સમયની અવગણના કરીને પહેલા ટીકરી અને સિંધુ બોર્ડર લગાવેલા બેરીકેટ તોડી નાખ્યા હતા. તેમજ રાજધાની દિલ્હીમાં પ્રવેશ કર્યો હતો.

જ્યારે દિલ્હી પોલીસે આપેલી માહિતી મુજબ ટ્રેક્ટર પરેડની હિંસા દરમિયાન કુલ 83 જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે ખેડૂતોએ તેમનો રુટ બદલ્યો હતો અને બેરીકેડસ તોડીને રાજધાનીમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેને રોકવા જતાં હિંસા થઈ હતી અને જાહેર સંપત્તિને ઘણું નુકસાન થયું છે.

(10:52 pm IST)