Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

મોદી સરકારનું બજેટ ખાસ, પડકારરૂપ રહેવાની શક્યતા

આમ આદમીની નજર કરરાહતોની છૂટ પર : કૃષિ, ઉદ્યોગ, બેરોજગારી ઉપરાંત સ્વાસ્થ્ય, શિક્ષણ અને રાજકોષની જાળવણી નાણાંમંત્રી માટે સૌથી વધુ કપરૂ

નવી દિલ્હી,તા. ૨૭ : આગામી તા.૧લી ફેબ્રુઆરીએ કેન્દ્રની મોદી સરકાર તેનું ૪થુ અને આખરી પૂર્ણકાલીન બજેટ રજૂ કરશે, જે ઘણી બાબતોને લઇ વિશેષ રહેશે. દેશમાં નવી અપ્રત્યક્ષ કર પ્રણાલિ એટલે વસ્તુ તેમ જ સેવા કર(જીએસટી) લાગુ કર્યા બાદ આ પહેલું બજેટ હશે. આ સિવાય ૨૦૧૯માં આવનારી લોકસભા ચૂંટણી અને અન્ય રાજયોની વિધાનસભા ચૂંટણી પહેલાનું આ અંતિમ બજેટ હશે. આ જ કારણ છે કે, કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી માટે લોકોની આશાઓ અને રાજકોષીય અનુશાસન વચ્ચે સંતુલન સાધવાના દ્રષ્ટિકોણથી આ બજેટ કોઇ પડકારથી ઓછુ નથી. આ વખતના બજેટમાં મહત્વના મુદ્દાઓ રહેશે તેની પર નજર નાંખીએ તો, ગ્રામીણ અર્થવ્યવસ્થા આપણી આર્થિક પ્રણાલિનો આધાર છે અને તેમાં નોંધાયેલી ઉદાસીનતા મોદી સરકાર માટે ચિંતાનું કારણ બની છે. ખાસ કરીને ખેડૂતોના દેવા માફીને લઇ ભારે હોડ જામી, જેની સીધી રાજકોષની સ્થિતિ પર પડે છે. ૨૦૦૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્યાંકને પૂરું કરવા ખેડૂતોના દેવામાફીથી આગળ વધીને બુનિયાદી સુવિધાઓ પર પણ ધ્યાન અપાવું જોઇએ કે જેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં તેજી લાવી શકાય. આ માટે સરકાર સ્વામીનાથન કમીટીના રિપોર્ટની ભલામણો પર વિચાર કરી શકે છે  કે જેમાં કૃષિ ઉત્પાદનોમાં સતત વધારાની સ્થિતિ પછી પણ ખેડૂૂતોની સ્થિતિમાં સુધારો નહી થવાના કારણોની વાત કરવામાં આવી છે. તે પછી વાત ઉદ્યોગોની આવે છે. દર વર્ષે બહાર પડી રહેલા અંદાજે દસ લાખ બેરોજગાર યુવાનોને સરકારની નોકરી આપવું સંભવ નથી પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ઉત્તેજન આપીને સરકાર રોજગારની સમસ્યાને પહોંચી વળવાનો પ્રયત્ન કરી શકે છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સરકારી સહાયની તાતી જરૂર છે કારણ કે, નોટબંધી અને જીએસટી લાગુ થયા બાદ સૌથી વધુ અસર આ ઉદ્યોગોને જ પહોંચી હતી. રોજગાર સર્જનના આ ક્ષેત્રના યોગદાનને કોઇપણ રીતે નજરઅંદાજ કરી શકાય નહી. આ સિવાય રોડ-રસ્તા સહિતના બુનિયાદી માળખાના ક્ષેત્ર પર પણ બજેટમાં ખાસ ધ્યાન અપાય તેવી શકયતા છે. આ તમામ મુદ્દાઓ વચ્ચે મધ્યમવર્ગની પરિભાષા સાથે જોડાયેલો એક સામાન્ય નાગરિક પણ નાણાંમંત્રીની નજરે હશે. સામાન્ય રીતે બજેટની જોગવાઇઓમાં સીધા અને આડકતરા વેરાઓની વાતનો ઉલ્લેખ હોય છે પરંતુ જીએસટીના કારણથી એ પહેલી વખત હશે કે, જયારે કેન્દ્રીય નાણામંત્રી પાસે આડકતરા વેરા મુદ્દે બહું કંઇ કહેવા જેવુ નહી હોય. આ વખતે લોકોને આશા છે કે, કરમાં છૂટની સીમાના દાયરો વધારી ખર્ચ  કરવા યોગ્ય આવક વધારી શકાય એવી સંભાવના છે. વાસ્તવમાં ૨૦૧૭ના બજેટમાં રાજકોષીય નુકસાનના જીડીપીના ૩.૨ ટકાના સ્તર પરરાખવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ નવેમ્બરમાં જ રાજકોષીય નુકસાન૨૦૧૭-૧૮ના વર્ષ માટે નિર્ધારિત લક્ષ્યાંક ૫.૫ લાખ કરોડના ૧૧૨ ટકા થઇ ગયું. તો બજેટમાં સરકાર માટે કેટલાક પડકારો પણ છે, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષા, આવાસ જેવી મૂળભૂત સુવિધાઓની સાથે સાથે રાજકોષીય અનુશાસનને જાળવવાનું સૌથી કપરૂ બની રહેશે.

(8:33 pm IST)