Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજસ્થાનના બાંસવાડામાં એમ્બ્યુલન્સનું ડીઝલ ખતમ થઇ જતા દર્દીનું મોત: તપાસના આદેશ

પરિવારજનોએ 500 રૂપિયાનું ડીઝલ પણ મંગાવ્યુ:ડીઝલ નાખ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ચાલુ ના થઇ તો બીજી એમ્બ્યુલન્સને બોલાવાઈ : હોસ્પિટલ પહોચ્યા બાદ ડૉક્ટરોએ દર્દીને મૃત જાહેર કર્યો.

રાજસ્થાનના બાંસવાડામાં એક એમ્બ્યુલન્સનું ડીઝલ ખતમ થઇ જતા દર્દીનું મોત થયુ હતુ. ઘટનાની જાણકારી બાદ સ્વાસ્થ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના બાંસવાડાના દાનાપુર વિસ્તારની છે.

મળતી જાણકારી અનુસાર, દાનાપુરમાં 40 વર્ષના તેજિયા નામનો દર્દી અચાનક બેભાન થઇ ગયો હતો. તે બાદ પરિવારજનોએ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને દર્દીને જિલ્લા હોસ્પિટલ લઇ જવા લાગ્યા હતા. આ દરમિયાન બાંસવાડાથી 10-12 કિમી દૂર રતલામ રોડ ટોલ પર અચાનક એમ્બ્યુલન્સ ઉભી રહી હતી.

ડ્રાઇવરને જ્યારે દર્દીના પરિવારજનોએ એમ્બ્યુલન્સ રોકાવાનું કારણ પૂછ્યુ તો જાણકારી મળી કે ડીઝલ ખતમ થઇ ગયુ છે. તે બાદ દર્દીની દીકરી અને જમાઇએ એક કિલોમીટર સુધી એમ્બ્યુલન્સને ધક્કો માર્યો હતો પરંતુ આ દરમિયાન દર્દીનું મોત થયુ હતુ.

તેજિયા ગણાવા ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના રહેવાસી હતા, તેમની દીકરીના લગ્ન બાંસવાડાના દાનાપુરમાં થયા છે. તે ત્રણ મહિના પહેલા પોતાની દીકરીના ઘરે આવ્યા હતા. ગુરૂવારે અચાનક તે ખેતરમાં બેભાન થઇને પડી ગયા હતા.

એમ્બ્યુલન્સનું ડીઝલ પૂર્ણ થયા બાદ તેજિયાના પરિવારજનોએ 500 રૂપિયાનું ડીઝલ પણ મંગાવ્યુ હતુ. ડીઝલ નાખ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ચાલુ ના થઇ તો બીજી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. બીજી એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોચ્યા બાદ ડૉક્ટરોએ દર્દીને મૃત જાહેર કર્યો હતો.

(11:50 pm IST)