Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ભારતીય સંવિધાન દિવસ

વન નેશન વન ઇલેકશન ભારતની જરૂરિયાતઃ મંથન કરવું જરૂરી

નવી દિલ્હી, તા.૨૬: સંવિધાન દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ફરી એકવાર વન નેશન વન ઇલેકશનની વાત પર ભાર મૂકયો છે. ગુરુવારે ઓલ ઈન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સના સંમેલનને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે વન નેશન વન ઇલેકશન પર ચર્ચા થવી ખૂબ જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, વન નેશન વન ઇલેકશન માત્ર વિચાર-વિમર્શનો મુદ્દો નથી, પરંતુ દેશની જરૂરિયાત છે. વિવિધ સમયે યોજાતી ચૂંટણીઓ વિકાસ કાર્યોમાં અડચણ ઊભી કરે છે અને તેના વિશે આપ સૌ જાણો છો. આપણે તેના વિેશે ગંભીરતાથી વિચારવું જોઈએ.

PM મોદીએ કહ્યું કે, લોકસભા, વિધાનસભા અને અન્ય ચૂંટણીઓ માટે એક મતદાર યાદીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આ તમામ યાદીઓ પર સમય અને નાણા કેમ બરબાદ કરી રહ્યા છીએ?

આ પહેલા વડાપ્રધાને કહ્યું કે, હું દરેક ભારતીય નાગરિકને સંવિધાન દિવસની શુભકામનાઓ પાઠવું છું. હું સંવિધાન રચવામાં સામેલ તમામ સન્માનિત વ્યકિતઓને ધન્યવાદ આપવા માંગું છું. પીએમે કહ્યું કે આજે ડોકટર રાજેન્દ્ર પ્રસાદ અને બાબા સાહેબ આંબેડકરથી લઈને સંવિધાન સભાના તમામ વ્યકિતઓને પણ નમન કરવાનો દિવસ છે, જેમના અથાગ પ્રયાસોથી દેશને સંવિધાન મળ્યું છે. આજનો દિવસ પૂજય બાપૂની પ્રેરણાને, સરદાર પટેલની પ્રતિબદ્ઘતાને પ્રણામ કરવાનો દિવસ છે.વડાપ્રધાને કહ્યું કે, આજની તારીખ, દેશ પર સૌથી મોટા આતંકી હુમલા સાથે જોડાયેલો છે. પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. અનેક દેશોના લોકો માર્યા ગયા હતા. હું મુંબઈ હુમલાનો શિકાર બનેલા તમામ લોકોને શ્રદ્ઘાંજલિ અર્પિત કરું છું.

વડાપ્રધાને કહ્યું કે, આજે મુંબઈ હુમલા જેવા કાવતરાને નિષ્ફળ કરી રહેલા, આતંકને એક નાના વિસ્તારમાં સમેટી દેનારા, ભારતની રક્ષામાં દરેક ક્ષણે ખડેપગે રહેનારા આપણા સુરક્ષાદળોને પણ વંદન કરું છું. તેમણે કહ્યું કે, પ્રિસાઇડિંગ ઓફિસર્સના રૂપમાં, આપણા લોકતંત્રમાં આપણી અગત્યની ભૂમિકા છે. આપ સૌ લોકો અને રાષ્ટ્રની વચ્ચે એક અગત્યની કડી છો.

(3:26 pm IST)