Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અમેરિકાના જીડીપીમાં રેકોર્ડબ્રેક 33.1 ટકાનો ઉછાળો :1947 બાદ સૌથી મોટી વૃદ્ધિ

કેટલાક ક્ષેત્રોનો દેખાવ અપેક્ષાથી ખરાબ રહ્યો: કેટલાક અર્થશાસ્ત્રીના મતે ક્ષણિક તેજી છે આગામી ક્વાર્ટરમાં ફરી અમેરિકામાં મંદીની શક્યતા

વોશિંગટન: એક મહિના અગાઉના અનુમાન મુજબ જ અમેરિકાના સપ્ટેમ્બર ક્વાર્ટરના જીડીપીના આંકડા સામે આવ્યા છે, જે મુજબ યૂએસ વિકાસ દરમાં વિક્રમી 33.1 ટકાનો ઉછાળો નોંધાયો છે. જે 1947 બાદની સૌથી મોટી વૃદ્ધિ છે. આંકડા પરથી લાગે છે કે અમેરિકા હવે મહામારીની અસરમાંથી તેજ ગતિએ બહાર આવી ગયું છે પરંતુ અર્થશાસ્ત્રીઓનો મત અલગ છે તેમને આ ક્ષણિક તેજી લાગી રહી છે અને આગામી ક્વાર્ટરમાં ફરી અમેરિકામાં મંદીની શક્યતા જોઈ રહ્યા છે.

 

અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, જીડીપી અંદાજને અનુરૂપ છે, પરંતુ કેટલાક ક્ષેત્રોનો દેખાવ અપેક્ષાથી ખરાબ રહ્યો છે. જેમ કે, બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ, હાઉસિંગ અને એક્સપોર્ટમાં અંદાજ કરતાં પણ વધારે વૃદ્ધિ જોવા મળી છે જ્યારે સરકાર અને ઉપભોક્તાઓ દ્વારા થતાં ખર્ચમાં ઘટાડો થયો છે. આ પહેલાં જૂનના ત્રિમાસિકમાં અમેરિકાની જીડીપીમાં 31.4 ટકાનો ઘટાડો થયો હતો.

ત્રિમાસિક ધોરણે નોંધાયેલ 33.1 ટકા વિકાસ દર વર્ષ 1947 બાદ સૌથી ઝડપી ત્રિમાસિક વિકાસ દર છે. જે અમેરિકાના ઇતિહાસમાં જીડીપીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. આ અગાઉ વર્ષ 1950માં વિક્રમજનક 16.70 ટકા વિકાસ દર નોંધાયો હતો. GDP માં આટલો મોટો ઉછાળો આવવા છતાં વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન જે નુકસાન થયુ છે તેની ભરપાઈ થઈ શકી નથી.

માર્ચ ત્રિમાસિક ગાળામાં અમેરિકાના અર્થતંત્રમાં GDP માં 5 ટકાનો વાર્ષિક ઘટાડો થયો હતો. ત્યારબાદ અર્થતંત્રમાં વિક્રમજનક 31.4 ટકાનો ઘટાડો થયો હતો. અર્થશાસ્ત્રીઓના મતે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારે ઘટાડો થવાની દહેશત છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ તો ત્યાં સુધી કહે છે કે આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકા ફરી વખત મંદીમાં ફસાઈ શકે છે.

(2:05 pm IST)