Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

વર્ષ 2021માં ક્રૂડની કિંમત 60 ડોલર પ્રતિ બેરલને કુદાવી શકે : બેન્ક ઓફ અમેરિકા

ક્રૂડમાં આવેલ તેજી ચાલુ રહેશે : અનલોકમાં તેલની માંગ વધતા ભાવને ટેકો મળશે

નવી દિલ્હી : છેલ્લાં 8 માસથી નીચે આવી ગયેલ ક્રૂડ ઓઇલનો ભાવ હવે ફરી એકવાર ઉચકાઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ક્રૂડની કિંમત 60 ડોલર પ્રતિ બેરલને કુદાવી શકે છે. વર્તમાનમાં તેની કિંમત 48 ડોલર પર પહોંચી છે.થોડા દિવસ અગાઉ તે 40 ડોલરની આસપાસ હતી. ક્રૂડની કિંમતો વધતા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધવાની સંભાવના છે. આશરે બે માસ બાદ પાછલાં 5 દિવસથી તેલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે.

નોંધનીય છે કે કોરોના વાયરસને કારણે ક્રૂડની કિંમત સ્થિર થઇ ગઈ હતી.તેનાથી ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત બે માસથી વધી નહોતી. પરંતુ હવે મોંઘા પેટ્રોલ અને ડીઝલની માર ગ્રાહકો પર પાડવાની શક્યતા છે. આજના કારોબારોમાં ક્રુડ 48 ડોલર પ્રતિ બેરલનું સ્તર વટાવી ગયું છે. વિશ્લેષકો અનુસાર ક્રૂડમાં આવેલ તેજી આગળ પણ ચાલુ રહેવાની છે. આગામી થોડા સમયમાં તે 50 ડોલર પ્રતિ બેરલ સુધી પણ જઈ શકે છે. 2021માં બ્રેન્ટ ક્રૂડ 60 ડોલર સુધી પહોંચવાની સંભાવના છે તેમ બેન્ક ઓફ અમેરિકાનો રિપોર્ટ કહે છે.

નવેમ્બરમાં અત્યારસુધી બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 12 ડોલર પ્રતિ બેરલનો વધારો થઇ ચુક્યો છે. 30 ઓક્ટોમ્બરે બ્રેન્ટ ક્રૂડ 36.8 ડોલર પ્રતિ બેરલ પર હતું. હવે તે વધીને 48.75 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. આ વર્ષે 22 એપ્રિલના નીચલા સ્તરની સરખામણીએ 32 ડોલર પ્રતિ બેરલ સુધીનો વધારો થયો છે. કોરોનાકાળમાં લોકડાઉનને કારણે માંગ ઘટવાથી 22 એપ્રિલે ક્રૂડ 16 ડોલરની આસપાસ આવી ગયું હતું.જોકે હવે અનલોક બાદ તેલની માંગ વધી છે જેથી ભાવમાં ઉછાળો આવી શકે છે.

(11:56 am IST)