Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ખેડૂતોની દિલ્હી કૂચ હિંસકઃ પથ્થરમારા- ટીયરગેસ- બેરીકેડ નીચે ફેંકયાઃ ભારે તનાવ

હરીયાણા અને પંજાબથી ખેડૂતો દિલ્હી ભણી આવતા સરહદો સીલ કરી દેવાઈઃ મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત : કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતો પણ વિરોધ પ્રદર્શન કરવા મક્કમઃ રાશન અને બિસ્તર લઈને નિકળી પડયા છે ખેડૂતોઃ દિલ્હીમાં પ્રવેશની છૂટ નથી

નવી દિલ્હી, તા. ૨૬ :. કેન્દ્ર સરકારના કૃષિ કાનૂનોમાં સંશોધન કરવાની માગણીસર હરીયાણા અને પંજાબમાં ખેડૂતોનો ગુસ્સો ભડકી ઉઠયો છે. આજે હજારોની સંખ્યામાં ખેડૂતોની દિલ્હી તરફ કૂચ થઈ રહી છે. દિલ્હીમાં ખેડૂતોને પ્રવેશતા અટકાવવા સરહદો સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં ધરણા દેવા માટે ખેડૂતો ખાવાપીવાનો સામાન અને કપડા લઈને નિકળી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ છે. હરીયાણા અને પંજાબની સરહદે હંગામો મચ્યો છે. ખેડૂતોએ બેરીકેડ ઉખાડીને ફેંકી દીધા હતા. પોલીસે ખેડૂતોને પાછળ ધકેલવા ટીયરગેસ છોડયા હતા. એટલુ જ નહિ અંબાલાના શંભુ બોર્ડર પર પોલીસની સાથે અથડામણ થઈ હતી. પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો. ખેડૂતોએ બેરીકેડ રસ્તા પરથી ઉઠાવીને ફલાય ઓવર ઉપરથી નીચે ફેંકી હતી.૧૦૦થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. દિલ્હી કૂચમાં એક લાખ ખેડૂતો એકઠા થયાનો દાવો થયો છે. દરમ્યાન ખેડૂતોની 'દિલ્હી માર્ચ'ને ભરી પીવા પોલીસો સરહદે તૈનાત થઈ ગયા છે. આંદોલનકારી ખેડૂતો વિરૂદ્ધ કડક પગલા લેવાની તૈયારી થઈ રહી છે. ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.

નવા કૃષિ કાનૂનોના વિરોધમાં અનેક રાજ્યોના ખેડૂતોએ આજે અને કાલે દિલ્હી ચલો માર્ચનું એલાન કર્યુ છે તે જોતા સંઘર્ષ થવાના એંધાણ મળી રહ્યા છે. સરહદોએ પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની સરહદે બેરીકેડીંગ કરી દેવામાં આવેલ છે. પોલીસનંુ કહેવુ છે કે ખેડૂતોને દિલ્હીમાં પ્રદર્શનની પરવાનગી થી તે ખેડૂતો દિલ્હી ન આવે.

હરીયાણા સરકારે પણ પ્રદેશની સીમાઓ સીલ કરી છે. તો બીજી તરફ દિલ્હી-અમૃતસર હાઈવે પર હંગામાના કારણે ૩ કલાક સંઘર્ષ ચાલ્યો હતો. પોલીસનો આરોપ છે કે ખેડૂતોએ પથ્થરમારો કર્યો હતો. ૩ કલાક ટ્રાફીકજામ રહ્યો હતો.

ખેડૂતોનું કહેવુ છે કે તેઓ ગમે તેમ કરીને પ્રદર્શન યોજશું. હરીયાણા સરહદે પંજાબના ખેડૂતો ઉમટી પડયા છે. આસપાસના ગામના લોકો આંદોલનકારો માટે દૂધ અને ખોરાક લઈને પહોંચ્યા છે.

ખેડૂતોના દેખાવોને લઈને દિલ્હીમાં મેટ્રો સેવાઓ પણ રોકી દેવામાં આવી છે. હરીયાણામાં અનેક જગ્યાએ ૧૪૪ની કલમ લાદી દેવામાં આવી છે.

(2:48 pm IST)