Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

T -20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ભારત સામે પાકિસ્તાનનો વિજય થતા કાશ્મીરમાં કથિત જશ્ન મનાવાયો : જમ્મુ-કાશ્મીરની બે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ વિરુદ્ધ UAPA હેઠળ કેસ દાખલ : સ્ટુડન્ટ્સ યુનિયને માનવતાના આધારે UAPA હેઠળના આરોપો રદ કરવા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને વિનંતી કરી : સ્ટુડન્ટ્સની ભાવિ કારકિર્દી ખતમ થઇ જશે

શ્રીનગર :  જમ્મુ અને કાશ્મીર પોલીસે ટ્વેન્ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીતની કથિત રીતે ઉજવણી કરવા બદલ બે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ બે કેસ નોંધ્યા છે.

અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે, અહીં કરણ નગર ખાતે સરકારી મેડિકલ કોલેજ અને શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ શ્રીનગર (SKIMS) સૌરાની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે.

ખીણમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી રહેલી ભારત સામે પાકિસ્તાનની જીતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મેચ રવિવારે દુબઈમાં રમાઈ હતી. પાકિસ્તાનની જીત બાદ અનેક જગ્યાએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. દરમિયાન, જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ યુનિયને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને માનવતાના આધારે UAPA હેઠળના આરોપોને રદ કરવા વિનંતી કરી હતી.

યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા, નાસેર ખુહેમીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે UAPA હેઠળ વિદ્યાર્થીઓ સામેના આરોપો કઠોર સજા છે, જે તેમના ભવિષ્યને બરબાદ કરશે અને "તેમને વધુ એકલતામાં મૂકશે." “અમે તેના કૃત્યને યોગ્ય ઠેરવતા નથી, પરંતુ તેનાથી તેની કારકિર્દી ખતમ થઈ જશે. આ આક્ષેપો વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવન અને ભાવિ કારકિર્દી પર ગંભીર અસર કરશે.તેમ જણાવ્યું હોવાનું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)