Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

મહત્વકાંક્ષાથી પર ઊઠીને પાર્ટીને મજબૂત બનાવો : સોનિયા ગાંધી

બળવાખોરો પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસનાં નેતા : પાર્ટીના મહાસચિવ, રાજ્યોના પ્રમુખો તેમજ પ્રદેશ પ્રભારીઓ સાથે બેઠકમાં સોનિયાએ શિખામણ આપી

નવી દિલ્હી , તા.૨૬ : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ફરી પાર્ટીમાં બાગી તેવર અપનાવી રહેલા નેતાઓને ધ્યાનમાં રાખીને આડકતરી રીતે શિખામણ આપી છે. આજે સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવ, રાજ્યોના પ્રમુખો તેમજ પ્રદેશ પ્રભારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પાર્ટીના સદસ્યતા અભિયાન, મોંઘવારી મુદ્દે પાર્ટી દ્વારા શરૂ થનારા અભિયાન તેમજ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પર ચર્ચા થઈ હતી. સોનિયાએ જોકે બાગી તેવર અપનાવનાર નેતાઓને ધ્યાનમાં રાખીને કહ્યુ હતુ કે, વ્યક્તિગત મહત્વકાંક્ષાથી ઉપર ઉઠીને પાર્ટીને મજબૂત બનાવવા પર તમામનુ ધ્યાન હોવુ જોઈએ. તેમણે કહ્યુ હતુ કે, આપણે ભાજપ અને આરએસએસના સમાજમાં દ્વેષ ફેલાવતા અભિયાન સામે વૈચારિક લડાઈ લડવાની છે. આ લડાઈ જીતવી હશે તો લોકો સમક્ષ તેમના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવો પડશે. જો કોઈ સંગઠને અન્યાય સામે સફળ થવુ હશે તો તેણે હાંસિયા પર ધકેલાયેલા લોકોના અધિકારીઓ માટે લડવુ પડતુ હોય છે અને જમીન પર પ્રભાવશાળી આંદોલન ચલાવવુ પડતુ હોય છે. આ બેઠકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સામેલ થયા હતા. કોંગ્રેસ દ્વારા ૧ નવેમ્બરથી નવા સભ્ય બનાવવાનુ અને ૧૪ થી ૨૯ નવેમ્બર વચ્ચે મોંઘવારી સામેનુ અભિયાન છેડવામાં આવનાર છે.

(8:22 pm IST)