Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પરિવાર અને સ્વ. માતાને પણ ઢસડવામાં આવે છે : એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે

એનસીબીના ઝોનલ ડિરેક્ટરે આક્ષેપો ફગાવ્યા : એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ પોતાની સામે કોઈપણ કાયદાકીય કાર્યવાહી સામે પણ રક્ષણ માગ્યું, પોતાની સામે તપાસ માટે તૈયાર

મુંબઈ , તા.૨૫ : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ પોતાના પર લાગેલા આક્ષેપોને ફગાવી દેતા દાવો કર્યો છે કે તેમને કેટલાક તત્વો દ્વારા ટાર્ગેટ કરાઈ રહ્યા છે. વાનખેડેએ પોતાની સામે કોઈપણ કાયદાકીય કાર્યવાહી સામે પણ રક્ષણ માગ્યું છે. તેમણે કોર્ટને એમ પણ કહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કે તેમને ટાર્ગેટ કરાઈ રહ્યા છે, અને તેઓ પોતાની સામે કોઈપણ તપાસ માટે તૈયાર છે. તેમનું એમ પણ કહેવું છે કે, મામલે તેમના પરિવાર તેમજ સ્વર્ગવાસી માતાને પણ ઢસડવામાં આવી રહ્યાં છે. શાહરુખ ખાનના દીકરા આર્યનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ વાનખેડે અને એનસીબી ખાસ્સા ચર્ચામાં આવ્યા છે. મહારાષ્ટ્રના એક મોટા નેતાએ વાનખેડે પર એક પછી એક આક્ષેપો કર્યા છે, તેમજ આર્યન એનસીબીની કસ્ટડીમાં હતો તે વખતના કેટલાક વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ સામે આવતા પણ મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે. તેવામાં કોર્ટમાં એનસીબી તેમજ વાનખેડે દ્વારા સોગંદનામાં ફાઈલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ કેસના સાક્ષી કે.પી. ગોસાવીના પર્સનલ બોડીગાર્ડ પ્રભાકર સાઈલે કરેલા આક્ષેપો તેમજ એનસીબીના અધિકારીઓ સાથે રુપિયાની લેવડદેવડની વાતો અંગેના દાવા બાદ વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને ભય વ્યક્ત કર્યો છે કે તેમને કેસમાં ફ્રેમ કરવામાં આવી શકે છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, કેટલાક અજાણ્યા લોકો દ્વારા તેમની સામે ખોટા આરોપો મૂકી કાયદાકીય કાર્યવાહી શરુ કરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાબતે એનસીબીના ડિરેક્ટર જનરલનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

પત્રમાં જણાવાયું છે કે, વાનખેડે પર લાગેલા આક્ષેપોની તપાસ કેન્દ્રિય તપાસ એજન્સી દ્વારા કરાશે તો સત્ય બહાર આવશે. તેમજ તેમને મહારાષ્ટ્રના એક મોટા નેતા દ્વારા જેલ તેમજ નોકરી ગુમાવવાની ધમકી જાહેરમાં મીડિયા મારફતે અપાઈ હોવાનું પણ તેમણે પત્રમાં જણાવ્યું છે. અગાઉ એનસીબી દ્વારા પણ જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં વાનખેડેએ પોતાના પર લાગેલા તમામ આરોપ નકાર્યા હોવાનું જણાવાયું હતું.

(9:29 am IST)