Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

એક કરોડ રૂપિયા જમા કરાવવાની શરતે કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમને વિદેશ યાત્રાની મંજૂરી : એરસેલ-મેક્સિસ, આઇએનએક્સ મીડિયા કેસમાં જામીન ઉપર મુક્ત હોવાથી વિદેશ જવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની વિદેશ યાત્રાની અરજીને 1 કરોડ રૂપિયા જમા કરાવવાની શરતે મંજૂરી આપી છે. વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે એરસેલ-મેક્સિસ, આઈએનએક્સ મીડિયા કેસમાં જામીન પર મુક્ત હોવાથી વિદેશ પ્રવાસની પરવાનગી મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ સીટી રવિકુમારની ડિવિઝન બેન્ચે કાર્તિને વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી. જોકે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે ચિદમ્બરમે કેસની તપાસમાં સહકાર આપ્યો નથી અને તેમને જારી કરાયેલા સમન્સનો યોગ્ય જવાબ આપ્યો નથી.

અદાલતે હાલમાં અરજદારને વિનંતી મુજબ 25 ઓક્ટોબર થી  21 નવેમ્બર, 2021 દરમિયાન વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે ચિદમ્બરમે પ્રતિવાદીને આગોતરી નોટિસ આપ્યા બાદ અરજી 30 સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવી હતી અને અગાઉ પણ બે વખત તેના પર સ્ટે મૂકવામાં આવ્યો હતો.

અરજદારને અગાઉના પ્રસંગોએ ઉલ્લેખિત સામાન્ય શરતોનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. અરજદારની વિનંતી પર વિદેશ પ્રવાસની શરત તરીકે જમા કરાવવાની રકમ ઘટાડીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે..તેવું એલ.એલ.એચ..દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)