Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રશિયન સ્કૂલમાં ગોળીબારમાં 7 બાળકો સહિત 13 લોકોના મોત: હુમલાખોરે કરી આત્મહત્યા

ગોળીબારમાં બે શાળા સુરક્ષા ગાર્ડ, બે શિક્ષક અને સાત બાળકો માર્યા ગયા :હુમલાખોરે નાઝી પ્રતીકો અને બાલક્લેવાવાળું કાળું ટી-શર્ટ પહેર્યું હતું.

નવી દિલ્હી :મધ્ય રશિયન શહેર ઇઝેવસ્કની એક શાળામાં સોમવારે ગોળીબાર થયો હતો. ગોળીબારમાં 7 બાળકો સહિત 13 લોકોના મોત થયા છે. હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હુમલામાં 7 બાળકો સહિત 21 લોકો ઘાયલ થયા હતા.

રશિયાની તપાસ સમિતિએ ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોળીબારમાં બે શાળા સુરક્ષા ગાર્ડ, બે શિક્ષક અને સાત બાળકો માર્યા ગયા હતા. હુમલાખોરે આત્મહત્યા કરી લીધી છે. હુમલાખોરે નાઝી પ્રતીકો અને બાલક્લેવાવાળું કાળું ટી-શર્ટ પહેર્યું હતું. તેની પાસે કોઈ ઓળખ પત્ર નહોતું. હુમલાખોરની ઓળખ મેળવવામાં આવી રહી છે. રશિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે હુમલામાં 7 બાળકો સહિત 21 લોકો ઘાયલ થયા છે.

 

ફાયરિંગની ઘટના શાળા નંબર 88માં બની હતી. તે ઇઝેવસ્ક શહેરની મધ્યમાં સ્થિત છે. નજીકમાં સિટી એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ છે. શાળાની સ્થાપના 1994માં થઈ હતી. તેમાં 982 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં 80 શિક્ષકો બાળકોને ભણાવે છે. ઉદમુર્ટ રિપબ્લિકના ગવર્નર એલેક્ઝાન્ડર બ્રેચલોવે જણાવ્યું હતું કે એક અજાણ્યો શૂટર ઇઝેવસ્કની એક શાળામાં ઘૂસી ગયો હતો. તેણે ત્યાંના ગાર્ડ અને કેટલાક બાળકોને મારી નાખ્યા. ઘણા બાળકો ઘાયલ થયા છે.

આ શાળા ધોરણ 1 થી 11 સુધીના વિદ્યાર્થીઓને ભણાવે છે. શાળાને ખાલી કરાવવામાં આવી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ઇઝેવસ્કની વસ્તી આશરે 630,000 છે. તે રશિયાના ઉદમુર્ત પ્રજાસત્તાકની પ્રાદેશિક રાજધાની છે અને મોસ્કોથી લગભગ 1,000 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે.

 

(9:08 pm IST)