Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સેન્સેક્સમાં ૯૫૩ પોઈન્ટનો કડાકો, નિફ્ટી ૧૭૦૦૦ની સપાટીએ બંધ

ભારતીય શેરબજારમાં બ્લડ બાથની સ્થિતિ : રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે બંધ, વૈશ્વિક બજારના નબળા વલણો-વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે બજારમાં અફરાફરી

મુંબઈ, તા.૨૬ : સોમવારના રોજ ભારતીય શેરબજારમાં બ્લડ બાથની સ્થિતિ હતી અને ભારે વેચવાલીને કારણે તમામ ઈન્ડેક્સ ખરાબ રીતે તૂટ્યા હતા. નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં આજે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયો પણ આજે રેકોર્ડ નીચલા સ્તરે બંધ રહ્યો હતો.

સોમવાર ભારતીય શેરબજાર માટે હોબાળો કરનારો સાબિત થયો. આઈટી સિવાયના તમામ ક્ષેત્રોમાં વેચવાલી વચ્ચે નિફ્ટી ૨૬ સપ્ટેમ્બરના રોજ સતત ચોથા સત્રમાં ૩૧૧ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭,૦૦૦ની નજીક બંધ રહ્યો હતો. ૩૦ શેરો ધરાવતું બોમ્બે સ્ટોક એક્સચેન્જ ફરી એકવાર ભારે તૂટ્યું અને ૯૫૩ પોઈન્ટ ઘટીને ૫૭,૧૪૫ પર આવી ગયું.

વૈશ્વિક બજારના નબળા વલણો અને વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ બે ટકાના ઘટાડાની સાથે સોમવારે બેન્ચમાર્ક સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો થયો હતો. બીએસઈ નો ૩૦ શેરવાળો સેન્સેક્સ સતત ચોથા દિવસે ૯૫૩.૭૦ પોઈન્ટ્સ અથવા ૧.૬૪ ટકાના ઘટાડા સાથે ૫૭,૧૪૫.૨૨ પર બંધ થયો હતો. દિવસના એક તબક્કે તે ૧,૦૬૦.૬૮ પોઈન્ટ અથવા ૧.૮૨ ટકા ઘટીને ૫૭,૦૩૮.૨૪ પર બંધ રહ્યો હતો.

આજે લગભગ ૬૩૦ શેર વધ્યા હતા, ૨૮૬૦ શેર ઘટ્યા હતા અને ૧૨૦ શેર યથાવત રહ્યા હતા.

ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી અને આઈશર મોટર્સ નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, ડિવિસ લેબ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં આજે નુકસાન થયું છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી)ને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં સમાપ્ત થયા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨-૩ ટકા તૂટ્યા છે.

મારુતિ, ટાટા સ્ટીલ, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેંક ૩૦ શેરના સેન્સેક્સ પેકમાં સૌથી પાછળ હતા. એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસીસ, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને નેસ્લે લાભાર્થીઓમાં હતા.

એશિયામાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ ખૂબ જ તળિયે બંધ થયા હતા. મધ્ય-સત્રના સોદામાં યુરોપિયન શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે અમેરિકી બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૭૫ ટકા ઘટીને ૮૫.૫૦ ડોલર પ્રતિ બેરલ થયું હતું. બીએસઈ પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૨,૮૯૯.૬૮ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

વિદેશમાં યુએસ ચલણ મજબૂત થવા અને રોકાણકારોમાં જોખમ ટાળવાને કારણે સ્થાનિક સ્તરે યુએસ ડોલર સામે રૂપિયો સોમવારે ૫૮ પૈસા ઘટીને ૮૧.૬૭ (કામચલાઉ)ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો.

ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં, રૂપિયો ૮૧.૪૭ પર ખૂલ્યો હતો અને પછી યુએસ ચલણ સામે ૮૧.૬૭ના સર્વકાલીન નીચલા સ્તરે બંધ થયો હતો. શુક્રવારે રૂપિયો ૩૦ પૈસા ઘટીને ૮૧.૦૯ પર બંધ થયો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો અત્યાર સુધીમાં ૧૯૩ પૈસા તૂટ્યો છે. ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણો સામે ગ્રીનબેકની મજબૂતાઈને માપે છે, તે ૦.૪૬ ટકા વધીને ૧૧૩.૭૧ પર પહોંચ્યો હતો.

 

(7:16 pm IST)