Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

યુપીમાં નરાધમ ઠાકુરોએ દલિત યુવતી પર રેપ કરી જીભ કાપી

કિન્નાખોરી રાખીને ગામના ૪ ઠાકુર યુવાનોનું કૃત્ય : અગાઉ છેડતીની ફરિયાદ કરનાર યુવતી સપ્તાહથી બેહોશ હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે

હાથરસ, તા. ૨૬ : ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત યુવતી પર ગેંગરેપ કર્યા બાદ ઠાકુર જાતિના હરામખોરોએ એની જીભ કાપી નાખી હતી. જેથી એ કોઈને કશું કહી ન શકે. આ યુવતી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. એક અઠવાડિયાથી આ યુવતી બેહોશ પડી હતી. અગાઉ એણે ગામની પોલીસને છેડતીની ફરિયાદ કરી હતી. એ વાતની કિન્નાખોરી રાખીને ગામના ચાર યુવાનોએ એના પર ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ એની જીભ કાપી નાખી હતી. મેડિકલ તપાસમાં તો એવી પણ વાત બહાર આવી હતી કે આ યુવતીની કરોડરજ્જુ પણ તોડી નાખવામાં આવી હતી. એક અઠવાડિયાથી બેહોશ પડેલી ૧૯ વર્ષની આ યુવતી ૨૧ સપ્ટેમ્બરે હોશમાં આવી હતી. ત્યારબાદ એની મેડિકલ તપાસ કરાઇ હતી..

         છેલ્લા તેર દિવસથી એ અલીગઢની જેએન મેડિકલ કૉલેજ હૉસ્પિટલમા મોત સાથે બાથ ભીડી રહી હતી. એની સ્થિતિ નાજુક હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. આ અપરાધમાં સંડોવાયેલા મનાતા ત્રણ યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી. હાથરસના ચંદપા ગામમાં ચાલુ માસની ૧૪મીએ ગામના ચાર યુવાનોએ બાજરીના ખેતરમાં આ દલિત યુવતીપર ગેંગરેપ કર્યો હતો. પછી ઓળખાઇ જવાના ડરે એની જીભ કાપી નાખી હતી. એ પછી આ દલિત યુવતી નવેક દિવસ સુધી બેહોશ રહી હતી. પોલીસે આરોપીઓ સામે ઇન્ડિયન પીનલ ક઼ૉડની ૩૦૭ મી (હત્યાના પ્રયાસ)ની કલમ લાગુ પાડી હતી.

આ ગામમાં ઠાકુર લોકોની દાદાગીરી માઝા મૂકી રહી હોવાની ફરિયાદો વધી રહી હતી. ગામની વસતિ ૪૫૦ ની છે જેમાં ૧૫૦ ઠાકુરો, ૧૫૦ બ્રાહ્મણો અને ૧૪૦ દલિતો છે.  ૧૪મીએ સવારે આ યુવતી પોતાના ભાઇઓ સાથે જાનવરો માટે લીલો ચારો વાઢી રહી હતી . એનો ભાઇ ચારો લઇને નીકળી ગયો. એની માતા થોડે દૂર ચારો વાઢી રહી હતી ત્યારે આ ચાર યુવાનો એનું મોઢું દબાવીને બાજરીના ખેતરમાં ઉપાડી ગયા હતા. ત્યાં અધમતા આચરી હતી.

(9:17 pm IST)