Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

૧લી ઓકટોબરથી ટીવી મોંઘા : મીઠાઇ વેચનારા માટે નવા નિયમો : ફ્રીમાં નહિ મળે એલપીજી સિલિન્ડર : દેશ બહાર ૭ લાખથી વધુ મોકલશો તો ટીડીએસ લાગશે

નવો મહિનો અનેક ફેરફારો લઇને આવી રહ્યો છે : આમ આદમીને સીધી અસર થશે : ફેસબુક અને ઇન્ટાગ્રામ પર સમાચારના શેરીંગ પર પ્રતિબંધ લાગુ થશે : જીએસટી પરિષદની બેઠક ૫ ઓકટોબરે : અનેક ફેરફારો થશે :  માર્ગ અકસ્માતમાં મરનારાના પરિવારોને ઘેર બેઠા પાંચ લાખનું વળતરઃ સરકાર નવેમ્બરમાં જારી કરશે નોટિફીકેશન

નવી દિલ્હી તા. ૨૬ : ચાર દિવસ પછી નવો મહિનો શરૂ થઇ રહ્યો છે જે અનેક પ્રકારના ફેરફારો લઇને આવી રહ્યો છે અને તેની સીધી અસર આમ આદમી અને તેના ગજવા ઉપર પડશે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સીલીન્ડરની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ છે. આ યોજનામાં મોદી સરકાર ગરીબોને મફતમાં એલપીજી કનેકશન આપે છે. કોરોનાના કારણે આ યોજના હેઠળ મફત સીલીન્ડર પણ અપાયા હતા. જેની તારીખને એપ્રિલથી સપ્ટેમ્બર વધારવામાં આવી હતી. ૧લી ઓકટોબરથી સબસીડી વગરના બાટલા અને કોમર્શિયલ બાટલાના રેટ પણ બદલશે.

કંદોઇની દુકાને મળતી કે ડેરીમાં મળતી મીઠાઇઓ માટેના નવા નિયમો આવી રહ્યા છે. ૧લી ઓકટોબરથી ખાવા-પીવાના સામાનની કવોલિટીના સુધાર માટે નવા નિયમો અમલી બનશે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ ઓથોરીટીએ નવા નિયમો બનાવ્યા છે. ૧લી ઓકટોબરથી મીઠાઇની દુકાનેથી બોક્ષમાં કે ડબ્બામાં વેચાતી મીઠાઇ માટે ઉત્પાદનની તારીખ અને એકસપાઇરી ડેટ જેવી માહિતી લખવી પડશે.

બેંક ગ્રાહકોને અત્યારે ઘેર બેઠા ચેક, ડીડી, પે ઓર્ડર જેવી બીન નાણાકીય સેવા જ મળે છે. આ સિવાય એફડીના વ્યાજ પર લાગતો ટેક્ષ બચાવવા માટે જમા કરાવવા પડતા ફોર્મ નં. ૧૫જી અને ૧૫એચ, આયકર કે જીએસટી ચલણ ટીક કરવા સાથે એકાઉન્ટ સ્ટેટમેન્ટ રિકવેસ્ટ, ટર્મ ડિપોઝીટની રશીદની ડિલીવરીની સુવિધા પણ ગ્રાહકોને ઘર પર જ આપવામાં આવે છે. ડોર સ્ટેપ બેંકીંગ સર્વિસ લોન્ચ થયા બાદ નાણાકીય સેવા પણ ઓકટોબરથી ઘરે જ ઉપલબ્ધ થશે.

૧લી ઓકટોબરથી ટીવી મોંઘા થઇ રહ્યા છે. ૩૨ ઇંચ ટીવીના ભાવ ૬૦૦ રૂપિયા, ૪૨ ઇંચનો ભાવ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા વધશે. મોટા આકારના ટીવીના ભાવ વધુ વધશે. ૧લી ઓકટોબરથી ટીવી પરની ડયુટીમાં વધારો થઇ રહ્યો છે. સરકારે ટીવી પર પાંચ ટકાનો ટેકસ વધારવાનો નિર્ણય લીધો છે.

૧લી ઓકટોબરથી વિદેશમાં પૈસા મોકલવા પર વધુ ટેકસ ભરવો પડશે. જો તમે વિદેશમાં ભણતા હોય અને બાળકોને પૈસા મોકલતા હોય અથવા તો કોઇ સગાને આર્થિક મદદ કરતા હોય તો પાંચ ટકા ટેકસ કલેકટેડ એટ સોર્સનું ચુકવણુ કરવું પડશે. અત્યાર સુધી ૨.૫ લાખ ડોલર વાર્ષિક મોકલી શકાય છે તેના પર ટેકસ લાગતો નથી હવે ટેકસ લાગશે.

જીએસટી પરિષદની બેઠક ૫ ઓકટોબરે મળશે તેમાં અનેક પ્રકારના મહત્વના નિર્ણયો લેવાશે.  ૧લી ઓકટોબરથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સમાચારના શેરીંગ પર પ્રતિબંધ લાગુ થશે. ખુદ ફેસબુકે આવો ફેસલો લીધો છે. ૧લી ઓકટોબરથી નવી સેવા - શરતો લાગુ થશે. નવી શરત હેઠળ ફેસબુક કોઇપણ પ્રકાશક કે કોઇપણ વ્યકિતને સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય ન્યુઝને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ પર શેર કરવાથી અટકાવી શકશે.

(3:38 pm IST)