Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

યુક્રેન વાયુ સેનાનું વિમાન ક્રેશ : ૨૨ના મોત

૨૧ મીલીટ્રીના વિદ્યાર્થીઓ સવાર હતા : દુર્ઘટના થવાનું કારણ અકબંધ

નવી દિલ્હી તા. ૨૬ : યુક્રેનમાં એક વિમાની દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૫ લોકોના મૃત્યુ થયાનું સામે આવ્યુ છે. આ વિમાન યુક્રેનની વાયુસેનાનું છે. સુત્રો અનુસાર આ દુર્ઘટનામાં મિલીટ્રીના વિધાર્થીઓ સહિત ૨૫ લોકોના મૃત્યુ નિપજયા છે. તો ૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

 

આ વિમાન દુર્ઘટના યુક્રેનના પૂર્વમાં આવેલા ખારકીવ વિસ્તારમાં થઇ છે. યુક્રેનનાં મંત્રીએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. નાયબ ગૃહમંત્રી એન્ટોન ગેરાશેકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે 'દુર્ઘટનામાં બે લોકો લાપતા છે જેમની શોધ ચાલી રહી છે. આ વિમાનમાં કુલ ૨૮ લોકો સવાર હતા. જેમાં ૨૧ મિલિટ્રીના વિધાર્થીઓ હતા. જયારે ૭ ક્રુ મેમ્બર હતા. આ દુર્ઘટના થવાનું કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.'

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્યાદિમીર જેલેંસ્કીએ જણાવ્યું કે, 'તેઓ આજે દુર્ઘટના બની તે વિસ્તારની મુલાકાત લેશે. આ ઘટનાનું કારણ જાણવા માટે એક આયોગની રચના પણ કરી છે.' સુત્રો અનુસાર દુર્ઘટના પછી વિમાનમાં આગ લાગી ગઇ. આગ પર અંકુશ મેળવવા માટે એક કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યા સુધીમાં વિમાનમાં સવાર અનેક લોકો આગમાં ભસ્મીભુત થઇ ગયા હતા.

(3:39 pm IST)