Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

ભારત.. મોદી... RSS... કાશ્કીર... ગુજરાત... યુનોમાં ઇમરાને જુઠ્ઠાણાનો પ્રચાર કર્યો : ભારતનો બહિષ્કાર

મુસ્લિમોનો મસીહા બનવા પ્રયાસ : યુધ્ધના અભરખા દર્શાવ્યા

ઈસ્લામાબાદ,તા.૨૬ : પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંયુકત રાષ્ટ્ર મહાસભાની ૭૫મી વર્ષગાંઠ દરમિયા પોતાના નકારાત્મક ઈરાદાઓ જ રજૂ કર્યા. કાશ્મીર મુદ્દે દરેક વખતે મોંની ખાધા પછી પણ ઈમરાન સુધર્યા નથી. તેમણે યુનાઇટેડ નેશન્સ ફોરમનો કિંમતી સમય ભારતની બુરાઈ કરવામાં ખર્ચ કરી નાંખ્યો. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય અને ભારતની સૈન્ય પર ઘણા ખોટા આક્ષેપો કર્યા. જોકે, ભારતે પણ વિરોધ કરવામાં મોડું ન કર્યું અને ઇમરાનના સંબોધનની વચ્ચે યુએનજીએના કોન્ફરન્સ હોલમાંથી ભારતીય રાજદ્વારી બહાર નીકળી ગયા.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય પર નિશાનો સાધતા કહ્યું કે આરએસએસ ગાંધી અને નેહરૂના બિનસાંપ્રદાયિક મૂલ્યોને પાછળ રાખી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ૨૦૦૨ ના ગુજરાતના રમખાણોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે.

ઇમરાને પોતાના ભાષણ દરમિયાન કાશ્મીર રાગ પણ આલાપ્યો હતો. તેમણે કહ્યું કે ભારતે કાશ્મીર પર ગેરકાયદેસર કબજો કર્યો છે અને ત્યાંના લોકોના માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સંયુકત રાષ્ટ્રએ તેના ઠરાવ હેઠળ તેનો ઉકેલ લાવવો જોઈએ. કલમ ૩૭ષ નાબૂદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેનાથી કાશ્મીરી લોકોના હક્કો નાબૂદ કર્યા છે.

તેમના ભાષણ દરમિયાન ઇમરાન ખાન મુસ્લિમોના મસીહા બનવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. તેમણે વિશ્વભરના મુસ્લિમો વિરુદ્ઘ કથિત અત્યાચારનો વિરોધ કર્યો હતો. તેમણે ભારત પર રાજયના પ્રાયોજક ઇસ્લામોફોબીયા ફેલાવવાનો આરોપ લગાવ્યો. તેમણે ભારતમાં આરએસએસનું નામ લઈ મુસ્લિમો વિરુદ્ઘ હિંસા ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ૧૯૯૨માં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી અને હવે મુસ્લિમો ઉપર જુલમ થઈ રહ્યો છે.

ઇમરાને આરોપ લગાવ્યો છે કે કાશ્મીરમાં અવાજ ઉઠાવનારા લોકો પર તેમના હક્કોનું ઉલ્લંદ્યન કરી પેલેટ ગન ચલાવવામાં આવી રહી છે. આ બધું આરએસએસના વિચારધારા ભાજપના શાસનમાં થઈ રહ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટથી ભારતે વધારે પ્રમાણમાં સૈન્યની તૈનાત કરીને કાશ્મીરી નેતાઓને બંધ કરી દીધા હતા. સમગ્ર કાશ્મીરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, લોકોને સજા કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે હજારો કાશ્મીરીઓ ખોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય સેના નિર્દોષ લોકોને નિશાન બનાવી રહી છે. તેમણે ભારતને ધમકી આપતા કહ્યું કે જો કોઇ પ્રકારનું ગેરવર્તન થશે તો અમે છેલ્લા સમય સુધી લડીશું.

(10:12 am IST)