Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

નહિ સુધરે ચીનઃ ફરી ઘુસણખોરીઃ લડાખમાં લગાવ્યા તંબુ

ગલવાન ઘાટીની અથડામણને ૧ વર્ષ પૂર્ણ છતાં LAC પર હજુય ટેન્શનનો માહોલ : ચીને પૂર્વી લડાખના ડેમચોકના અરડિંગ નાલા પાસે તંબુ તાણ્યાઃ ભારતે પીછેહઠ કરવા કહયું છતાં મોજુદગી

નવી દિલ્હી, તા.૨૬: ભારતમાં ફરી એક વખત ચીની સૈન્યની ઘુસણખોરીનો મામલો સામે આવ્યો છે સીનીયર અધિકારીઓએ જણાવ્યું છે કે ચીની સૈનિકોએ પૂર્વી લડાખના ડેમચોકમાં અરડિંગ નાલાની નજીક ભારતીય ભાગમાં ખેતાના ટેન્ટ (તંબુ) નાખ્યા છે. અધિકારીઓએ આ તંબુઓમાં રહતા લોકોને 'કયિત નાગરિક' ગણાવતા કહયું છે કે ભારત તરફથી તેઓને પાછા ચાલ્યા જવા કહેવાયું છતાં તેઓ ગયા નથી અને હજુ મોજુદ છે.

અત્રે એ નોંધનીય છે કે ડેમચોકમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અનેક વખત આમનો સામનો થયો છે. ૧૯૯૦ના દાયકામાં ભારત-ચીન જોઇન્ટ વર્કિગ ગ્રુપની બેઠકો દરમ્યાન બંને પક્ષ એ બાબત પર સહમત થયા હતા કે ડેમચોક અને ટ્રિગ હાઇટસ LAC પર વિવાદિત બિંદુ છે તે પછી બંને દેશો વચ્ચે નકશાનું આદાન-પ્રદાન થયુ હતું

અને LACના ૧૦ અલગ-અલગ ક્ષેત્રની ધારણાઓને માન્યતા અપાઇ હતી. જેમાં સમય લુંટાયા, ડેમસાંગ બુલગે, પોઇન્ટ ૬૫૫૬, ચાંગ્લુંગ નાલા, કોંગકાલા, પેંગોંગત્સો નોર્થ બેંક, સ્પેગગુર, માઉન્ટ સીજુન અને ચુનારનો સમાવેશ થયો હતો.

ગયા વર્ષે પેદા થયેલા ટેન્શન વચ્ચે આ ૧૦ ક્ષેત્રો સિવાય પૂર્વી લડાખમાં ર્ખચ નવા પોઇન્ટને જોડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યુ છે કે આ પાંચ પોઇન્ટ ગાલવાન ખીણમાં કેએમ ૧૨૦, શ્યોક સુલા વિસ્તારમાં પીપી ૧૫ અને પીપી૧૭એ, રેચિન લા અને રેજાંગ લા છે. એક સીનીયર અધિકારીએ જણાવ્યું છે કે હાલ સ્થિતિ સ્થિર છે. હજુ ૨૦૧૯ જેવું નથી. વર્તમાન સ્થિતિ ગત વર્ષે કરતાં સારી છે. અધિકારીએ કહયુ છે કે ફેબ્રુ- પછી ચીન દ્વારા ન તો કોઇ ઉલ્લંઘન થયુ છે કે ન તો બંને સૈન્ય આમને સામને આવ્યા છે.

દરમ્યાન ચીન પૂર્વી લડાખમાં પોતાની તાકાત વધારી રહયુ છે. સૈન્ય ગતિવિધી વધારી રહયુ છે. જો કે તમામ મહત્વના સ્થાનો પર ભારતીય સૈનિક પણ તૈનાત છે. ભારત ચીનને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.

(11:07 am IST)