Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કારગીલ વિજય દિવસ પ્રસંગે પૂર્વ સેનાધ્યક્ષનું નિવેદન

કારગિલમાં સીઝફાયર પૂર્વે ભારતીય દળોને પાકિસ્તાની વિસ્તારોમાં કબ્જાની પરવાનગી મળવી જોઇતી હતી

નવી દિલ્હી, તા.૨૬: પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી.પી. મલિકે કહ્યું છે કે, કારગિલમાં સીઝફાયરથી સુરક્ષાદળોને એલઓસી પાસે પાકિસ્તાની વિસ્તારો પર કબજો કરવાની પરવાનગી આપવી જોઇતી હતી. વર્ષ ૧૯૯૯માં ભારત-પાકિસ્તાનની વચ્ચે થયેલા યુદ્ઘના ૨૨ વર્ષ બાદ મલિકે કહ્યું કે, ઓપરેશન વિજય રાજકીય, સૈન્ય અને રાજદ્વારી રીતે દ્રઢ કાર્યવાહી હતી, જેણે આપણને ખરાબ સ્થિતિમાં પણ મજબૂત સૈન્ય અને રાજદ્વારી વિજયમાં ફેરવવામાં મદદ કરી, જયારે પાકિસ્તાને રાજકીય અને સૈન્ય સ્તર પર મોટી કિંમત ચૂકવવી પડી.

પૂર્વ સૈનાધ્યક્ષે કહ્યું કે, ભારતીય સેનાએ ખરાબ ઇન્ટેલિજન્સ અને અપૂર્ણ સર્વિલાંસના આધાર પર સ્થિતિનો અંદાજો લગાવવામાં અને યોગ્ય કાર્યવાહી કરવામાં થોડોક સમય લીધો. જો કે રણભૂમિ પર સૈન્ય જીત અને સફળ રાજકીય-સૈન્ય રણનીતિ દ્વારા ભારત પોતાના રાજકીય લક્ષ્ય મેળવવામાં સફળ થયું. આ સાથે જ ભારતે દુનિયામાં પોતાની લોકશાહી, જવાબદાર અને મજબૂત છાપ બનાવી. મલિકે કહ્યું કે, જયારે યુદ્ઘ શરૂ થયું ત્યારે અમે પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલી 'સરપ્રાઇઝ સિચ્યુએશન'પર જવાબ આપી રહ્યા હતા.

ઇન્ટેલિજન્સ અને સર્વિલાન્સમાં અસફળ થવાના કારણે સરકારની અંદર ઘૂસણખોરોની ઓળખને લઈને ઘણો ભ્રમ હતો. આપણી ફ્રન્ટલાઇન ઘૂસણખોરીને ઓળખવામાં અસફળ રહી અને તેમના ઠેકાણાઓ વિશે કોઈ જાણકારી મળી નહોતી. આ કારણે પુરતી જાણકારી મેળવવી, સ્થિતિને સ્થિર કરવી અને ફરીથી પહેલ કરવી જરૂરી બની ગઈ હતી. તેમણે કહ્યું કે કેટલાક સમય બાદ, જયારે ભારતીય સેનાને કારગિલમાં સફળતાનો ભરોસો થયો તો તેમને યુદ્ઘવિરામથી પહેલા નિયંત્રણ રેખા પાર કેટલાક પાકિસ્તાની ક્ષેત્ર પર કબજો કરવાની પરવાનગી આપવી જોઇતી હતી.

પૂર્વ સૈનાધ્યક્ષે કહ્યું કે, કારગિલ યુદ્ઘ ભારત-પાકિસ્તાન સુરક્ષા સંબંધોમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. ભારતમાં વિશ્વાસ લગભગ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો અને એ અહેસાસ થઈ ગયો હતો કે પાકિસ્તાન લાહોર ઘોષણાપત્ર જેવા કોઈપણ કરારથી સરળતાથી ફરી શકે છે, જેના પર તેણે ફકત ૨ મહિના પહેલા સહી કરી હતી. આ પ્રધાનમંત્રી વાજપેયી (અને કેબિનેટ) માટે એક મોટો ઝાટકો હતો, જેમણે એ માનવામાં દ્યણો સમય લગાવ્યો કે ઘૂસણખોરો પાકિસ્તાની આતંકવાદી નહીં, પરંતુ સેના હતી. વાજયેયીએ નવાઝ શરીફને કહ્યું- તમે પીઠ પાછળે છરી મારી.

(10:36 am IST)