Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ગેરકાયદેસર ઘૂસનારા છ પાટીદારોને કોર્ટે છોડી મૂક્યા

એપ્રિલમાં કેનેડાથી બોટમાં યુએસ બોર્ડર ક્રોસ કરી હતી : તમામ છ આરોપી ૨૪ દિવસથી જેલમાં છે ત્યારે કોર્ટે યોગ્ય કાર્યવાહી બાદ તેમને ભારત પરત મોકલવા જણાવ્યું

વોશિંગ્ટન, તા.૨૬ : એપ્રિલ મહિનામાં કેનેડાથી બોટમાં બેસીને અમેરિકાની બોર્ડર ક્રોસ કરનારા છ ગુજરાતીઓને અમેરિકાની કોર્ટે છોડી મૂક્યા છે. આ તમામ હાલ જેલમાં બંધ છે, કાયદાકીય કાર્યવાહી પૂરી કર્યા બાદ તેમને ડિપોર્ટ કરવામાં આવશે. ૨૮ એપ્રિલે તેમની બોટ અમેરિકાની હદમાં કાતિલ ઠંડી વચ્ચે નદીમાં ડૂબી રહી હતી તે જ વખતે સ્થાનિક પોલીસની એક ટુકડીએ પહોંચીને તમામ લોકોને ડૂબતા બચાવી લીધા હતા. ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ગેરી એલ. ફાવરોએ તમામ છ યુવકોને ટકોર કરી હતી કે તેઓ અમેરિકામાં આવવા માટે ગેરકાયદે રસ્તો ક્યારેય ના અપનાવે. જજે તેમને એવી સલાહ પણ આપી હતી કે માનવ તસ્કરોને માત્ર પૈસાથી જ લેવાદેવા હોય છે અને તેમના જેવા લોકોના જીવની કોઈ પરવાહ નથી હોતી.

તમામ છ ગુજરાતીઓને છોડી મૂકતા કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે તમારા દેશમાં પાછા જાઓ, અને ત્યાંના લોકોને પણ સમજાવો કે તેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં આવવાનો પ્રયાસ ના કરે. જો અમેરિકાનો પ્રવાસ કરવો જ હોય તો હંમેશા કાયદાકીય રસ્તો જ અપનાવવો જોઈએ. ૨૮ એપ્રિલે આ તમામ છ ગુજરાતીઓ અમેરિકાની પોલીસના હાથે ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરી ઘૂસણખોરી કરતા ઝડપાયા હતા. સેન્ટ રેજિસ નદીમાં તેઓ ડૂબવાની અણી પર જ હતા ત્યારે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. જો તે વખતે પોલીસ ના પહોંચી હોત તો તમામ લોકો થીજી જવાય તેવા તાપમાનમાં નદીમાં ડૂબીને મોતને ભેટ્યા હોત.

અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરનારા આ છ લોકોના નામ અમિત પટેલ (ઉં. ૨૨ વર્ષ), ધ્રુવ પટેલ (ઉં. ૧૯ વર્ષ), નીલ પટેલ (ઉં. ૧૯ વર્ષ), ધ્રુવેશ પટેલ (ઉં. ૨૦ વર્ષ), સાવન પટેલ (ઉં. ૧૯ વર્ષ), દર્શન પટેલ (ઉં. ૨૧ વર્ષ) હોવાનું બહાર આવ્યું હતું. મોટાભાગના યુવકો માંડ ૧૨મા

ધોરણ સુધી ભણેલા હતા જ્યારે માત્ર બે લોકો જ કોલેજમાં ભણતા હતા. જેમાંથી ચાર લોકોએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ શિકાગો જવાના હતા, જ્યારે એક યુવક સાઉથ કેરોલિના અને બીજો જ્યોર્જિયા જવાનો હતો. તમામ લોકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશમાં ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા. અમેરિકાની કોર્ટના જજે તમામ લોકોને જણાવ્યું હતું કે તેમણે કોઈ ઈમિગ્રેશન પ્રોસેસ વિના જ એજન્ટના કહેવાથી અમેરિકામાં એન્ટ્રી કરી છે, આ ગુનો કરીને તેમણે પોતે પણ મોટું જોખમ વ્હોયંર્ી છે. સરકારી વકીલે તમામ લોકોને છોડી મૂકવાની વિનંતી કરતા કોર્ટને જણાવ્યું હતું કે આ યુવકોને કેદની સજા કે પછી આર્થિક દંડ ના કરવામાં આવે. તમામ યુવાનો કોઈ ગુનાઈત ભૂતકાળ નથી ધરાવતા, અને અમેરિકાની હદમાં ઘૂસીને પણ તેમણે કોઈ પ્રકારની ગુનાખોરીને અંજામ નથી આપ્યો. આ ઉપરાંત, તેઓ અમેરિકામાં પ્રવેશી રહ્યા હતા ત્યારે મરતા-મરતા બચ્યા છે. તેઓ કોઈ ગુનેગાર નથી, પરંતુ તેમનો વાંક માત્ર એટલો છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તમામ છ આરોપીઓ ૨૪ દિવસથી જેલમાં છે ત્યારે કોર્ટે તેમના પર ચાર્જ ફ્રેમ કરવાનું પડતું મૂકીને યોગ્ય કાયદાકીય કાર્યવાહી બાદ તેમને ભારત પરત મોકલી દેવા માટે જણાવ્યું હતું. છ આરોપીમાંનો એક સાવન પટેલ સરકારી ગવાહ બની ગયો હતો અને તેણે બ્રાયન લેઝોર નામના એજન્ટ વિરુદ્ધ કોર્ટમાં ગવાહી પણ આપી હતી. આ લોકો જ્યારે પોલીસના હાથે ઝડપાયા ત્યારે એજન્ટ તેમને છોડીને ભાગી ગયો હતો. પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, અને તેના પર લાગેલો આરોપ સાબિત કરવામાં સાવન પટેલની ગવાહી મહત્વની બનશે.

(7:58 pm IST)