Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

કાબુલમાં મઝાર-એ-શરીફ મસ્‍જિદ નજીક શ્રેણીબધ્‍ધ વિસ્‍ફોટો થતાં ૧૬ના મોત

અફઘાનિસ્‍તાનમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ

કાબુલ તા. ૨૬ : અફઘાનિસ્‍તાનની મસ્‍જિદમાં થયેલા વિસ્‍ફોટમાં પાંચ લોકોના મોત થયાં છે.કાબુલ પોલીસના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે કાબુલમાં એક મસ્‍જિદમાં થયેલા વિસ્‍ફોટમાં બે લોકો ઘાયલ થયા છે. પરંતુ કાબુલની ઈમરજન્‍સી હોસ્‍પિટલે એક ટ્‍વિટમાં જણાવ્‍યું હતું કે તેને બ્‍લાસ્‍ટમાંથી પાંચ મૃતદેહો અને એક ડઝનથી વધુ ઘાયલ દર્દીઓ મળ્‍યા છે. બીજી બાજુ તાલિબાનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે મસ્‍જિદની વ્‍યાસપીઠમાં કરવામાં આવેલા વિસ્‍ફોટોમાં ઓછામાં ઓછા ૧૧ લોકો માર્યા ગયા હતા.

ઉત્તરી બલ્‍ખ પ્રાંતમાં પેસેન્‍જર વાનમાં થયેલા ત્રણ વિસ્‍ફોટોમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે અને ૧૫ ઘાયલ થયા છે. બલ્‍ખ પ્રાંતના પોલીસ પ્રવક્‍તા મોહમ્‍મદ આસિફ વજેરીએ  જણાવ્‍યું કે આ હુમલો અફઘાનિસ્‍તાનમાં લઘુમતી શિયા સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્‍યો હતો.

અફઘાનિસ્‍તાન પર તાલિબાનોના કબજા બાદ આતંકવાદી ઘટનાઓમાં સતત વધારો થયો છે. સતત થઈ રહેલા વિસ્‍ફોટોથી તાલિબાનની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. અફઘાનિસ્‍તાનમાં લઘુમતી શિયા સમુદાયને નિશાન બનાવતા હુમલાની જવાબદારી ઇસ્‍લામિક સ્‍ટેટે લીધી છે.

કાબુલના રહેવાસી પ્રત્‍યક્ષદર્શીએ કહ્યું- ‘અમે અહીં નજીકમાં હતા ત્‍યારે ખૂબ જોરથી ધડાકો થયો અવાજ એટલો જોરદાર હતો કે અમે બધા ચોંકી ગયા. આ વિસ્‍ફોટ ઝકરિયા મસ્‍જિદમાં નમાજ પછી થયો હતો. પરંતુ ઘણા લોકો અંદર હતા. જયારે અમે ત્‍યાં પહોંચ્‍યા ત્‍યારે અમને જમીન પર મૃતદેહો અને ઘણા લોકો ઘાયલ હાલતમાં જોવા મળ્‍યા.'

આ પહેલા ૨૧ એપ્રિલે મઝાર-એ-શરીફની મસ્‍જિદમાં બ્‍લાસ્‍ટ થયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયા હતા જયારે ૬૫ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી ISIS દ્વારા લેવામાં આવી હતી. આ જ દિવસે મઝાર-એ-શરીફના કુદુંજ પ્રાંતના સરદારવર વિસ્‍તારમાં પણ વિસ્‍ફોટ થયો હતો. જેમાં ૪ લોકો માર્યા ગયા હતા અને ૧૮ લોકો ઘાયલ થયા હતા. તેમજ ૧૯ એપ્રિલના રોજ, કાબુલની અબ્‍દુલ રહીમ શાહિદ હાઈસ્‍કૂલમાં વિસ્‍ફોટ થયો હતો, જેમાં ૬ લોકો માર્યા ગયા હતા અને એક ડઝનથી વધુ ઘાયલ થયા હતા.

(10:12 am IST)