Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ઈમરાન ખાનને મોટી રાહત:સુપ્રીમકોર્ટે ધરપકડ કરવા પર લગાવી રોક: ઈસ્લામાબાદમાં રેલીને આપી મંજૂરી

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શાહબાઝ શરીફ સરકારના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનની ધરપકડ કરવાના આદેશ પર રોક લગાવી

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શાહબાઝ શરીફ સરકારના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનની ધરપકડ કરવાના આદેશ પર રોક લગાવી દીધી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને ઈસ્લામાબાદના એચ-9 ગ્રાઉન્ડ વિસ્તારમાં ધરણા કરવાની પણ મંજૂરી આપી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પીટીઆઈ દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને કોઈ નુકસાન નહીં થાય તેવું કહીને શાંતિપૂર્ણ વિરોધની ખાતરી આપ્યા બાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો. જ્યારે અદાલતે પીટીઆઈને શ્રીનગર હાઈવે પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી, ત્યારે તેણે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે ટ્રાફિકમાં વિક્ષેપ ન થવો જોઈએ અને જનતાને અસુવિધા ન થવી જોઈએ.

પાકિસ્તાનના જસ્ટિસ ઇજાઝુલ અહેસાનની આગેવાની હેઠળ અને જસ્ટિસ મુનીબ અખ્તર અને સૈયદ મઝહર અલી અકબર નકવીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે એક દિવસ પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશન (IHCBA)ના પ્રમુખ મોહમ્મદ શોએબ શાહીન દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી.

નોંધનીય છે કે ઇમરાન ખાનને ગયા મહિને અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તામાંથી દૂર કરવામાં આવ્યા હતા, તેમણે લશ્કરનું સમર્થન ગુમાવ્યું હતુ કારણ કે તેમણે ગયા વર્ષે ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના વડાની નિમણૂકને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો.

આ દરમિયાન ખાને કહ્યું કે તે રેલીનું આયોજન કરવા કોઈપણ ભોગે ઈસ્લામાબાદ જશે, જેના પર ભૂતકાળમાં સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ખાન તેમના સેંકડો સમર્થકો સાથે ટ્રકમાં કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે. ખૈબર-પખ્તુનખ્વાના M-2 મોટરવે પર સ્વાબી ચોકડી પર તેમના સમર્થકોને સંબોધતા, ખાને કહ્યું કે “ચોર અને અમેરિકન નોકર ઇસ્લામાબાદ પર રાજ કરી રહ્યા છે”.

(10:55 pm IST)