Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

નોઇડા અને ગાઝિયાબાદમાં રખડતા કુતરાઓએ આતંક દિનપ્રતિદિન વધતો જોવા મળ્યોઃ ઘર બહાર રમી રહેલા નાના-બાળકો હવે સુરક્ષિત નથીઃ માસુમ છોકરીને કુતરુંનો હુમલોઃ છોકરીના દાદા પણ ઇજાગ્રસ્‍ત

ઘટના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદઃ વૃદ્ધે પાછળ દોડીને છોકરીને કુતરાના મોઢામાંથી છોડાવી હતી

નવી દિલ્‍હીઃ  નોઇડા અને ગાઝિયાબાદમાં રખડતા કુતરાઓએ આતંક મચાવી રાખ્યો છે. ઘર બહાર રમી રહેલા નાના-નાના બાળકો પણ હવે સુરક્ષિત નથી. હાલની ઘટના નોઇડાના સેક્ટર બીટા-1ની છે. અહીં ઘર બહાર દાદા સાથે રમી રહેલી દોઢ વર્ષની માસૂમ છોકરીને કુતરું ખેચી લઈ જઈ રહ્યું હતું. વૃદ્ધે પાછળ દોડીને છોકરીને કુતરાના મોઢામાંથી છોડાવી. આ દરમિયાન વૃદ્ધ પડી ગયા અને તેમના ઘૂંટણમાં ઇજા થઈ છે.

ઘટના ઘરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. છોકરીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ડર છે.

લોકો પોતાના નાના બાળકોને ઘરો બહાર રમવા મોકલી રહ્યા નથી. નોઇડાના બીટા-1 સેક્ટરના C-બ્લોકમાં રહેતા ચંદ્ર નરેશ સિંહ ચૌહાણ પોતાની પૌત્રી સાથે ગેટ પર ઊભા હતા, જ્યારે તેમની દોઢ વર્ષની પૌત્રી ગેટ પર રમી રહી હતી. ત્યારે અચાનક સેક્ટરમાં ફરી રહેલું કૂતરું ઝડપથી તેમના ગેટ પાસે પહોંચ્યું અને માસૂમ છોકરીને ઉઠાવીને લઈ જઈ જવા લાગ્યું. એ જોતા જ દાદાએ પોતાની દીકરીને જેમ તેમ છોડાવવાનો પ્રયાસ કર્યો અને તેઓ પડી ગયા. આ દરમિયાન કુતરું છોકરીને છોડીને ત્યાંથી ભાગી ગયું.

 

છોકરીના હાથમાં ઘણી જગ્યાએ કુતરાએ બચકાં ભરી લીધા હતા. ત્યારબાદ ઘરના અન્ય લોકો પણ બહાર નીકળી આવ્યા. નીચે પડતા વૃદ્ધ પણ ઇજાગ્રસ્ત થઈ થઈ ગયા. છોકરીને કુતરા દ્વારા બચકાં ભર્યા બાદ તેને ઇન્જેક્શન લગાવવામાં આવ્યા છે. કુતરા દ્વારા છોકરી પર હુમલો કરવાનો વીડિયો પણ CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. ઘટનાની જાણકારી આપતા છોકરીની દાદીએ જણાવ્યું કે, ગુરુવારે સાંજે લગભગ 4:30 વાગ્યે તેમની પૌત્રી ગેટ બહાર રમી રહી હતી.

ગાઝિયાબાદના વિજયનગર ચોક પોલીસ સ્ટેશનના બહરામપુર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ આ જ પ્રકારની ઘટના થઈ હતી. લગભગ સવા વર્ષની માસૂમ છોકરીને એક કુતરાએ બચકાં ભરી લીધા હતા. છોકરી પોતાનાઆ ઘર બહાર રમી રહી હતી, ત્યારે ત્યાં એક રખડતા કુતરાએ તેના પર હુમલો કરી દીધો હતો. કુતરાના હુમલામાં છોકરીને બંને ગાલોપર ગંભીર ઘા થયા હતા. છોકરીને લગભગ 60-70 કરતા વધુ ટાંકા લગાવવામાં આવ્યા હતા, છોકરીને માઠી રીતે બચકાં ભરવાના સમાચાર મીડિયામાં આવ્યા બાદ ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી હતી. ત્યારબાદ પાલિકાની ટીમે રખડતા કુતરાઓને પકડીને તેમની નસબંદી કરાવી દીધી.

છેલ્લા કેટલાક મહિનાઓમાં નોઇડા-ગાઝિયાબાદમાં કુતરાઓ દ્વારા બચકાં ભરવાની ઘટનાઓમાં વધારા બાદ નોઇડા પ્રશાસન જાગ્યું છે. નોઇડા ઓથોરિટીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરે આદેશ જાહેર કર્યો છે કે 1 માર્ચ 2023થી પાળતું કુતરા-બિલાડીઓના કારણે કોઈ અપ્રિય ઘટનાની સ્થિતિમાં 10,000 રૂપિયાનો દંડ અને ઇજાગ્રસ્ત વ્યક્તિ કે પ્રાણીની સારવારનો ખર્ચ પાળતું કુતરાનો માલિક આપશે. આ આદેશ હેઠળ 31 માર્ચ સુધી કુતરા-બિલાડીઓનું રજીસ્ટ્રેશન અનિવાર્ય છે. એમ ન કરવા પર દંડ ભરવો પડશે. ગ્રામવાસીઓની સહમતીથી બીમાર, ઉગ્ર, આક્રમક થઈ ચૂકેલા રખડતા કુતરાઓ માટે શેલ્ટર બનાવવામાં આવશે. તેની દેખરેખની જવાબદારી સંબંધિત RWAની હશે.

(12:52 am IST)