Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

સ્વિત્ઝર્લેન્ડની એક સંસ્થાએ ચોંકાવનારો ખુલાસો: વર્ષ ૨૦૨૨ દરમિયાન વૈશ્વિક સ્તરે રમાયેલી ૭૭૫ ફૂટબોલ મેચીસ તેમજ ૧૩ ક્રિકેટ મેચીસમાં ફિક્સિંગ થયું હોય તેવુ લાગી રહ્યું છે

બાસ્કેટબોલની રમતમાં ૨૨૦ મેચ તેમજ ટેનિસમાં ૭૫ મેચ પણ શંકાસ્પદ : જોકે ક્રિકેટની જે મેચોમાં ફિક્સિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાં ટીમ ઈન્ડિયાની કે આઇપીએલની એક પણ મેચ નથી

નવી દિલ્હી, તા. ૨૫: સ્વિત્ઝર્લેન્ડની એક સંસ્થાએ ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે, વર્ષ ૨૦૨૨ દરમિયાન વૈશ્વિક સ્તરે રમાયેલી ૭૭૫ ફૂટબોલ મેચીસ તેમજ ૧૩ ક્રિકેટ મેચીસમાં ફિક્સિંગ થયું હોય તેવુ લાગી રહ્યું છે. આ ઉપરાંત બાસ્કેટબોલની રમતમાં ૨૨૦ મેચ તેમજ ટેનિસમાં ૭૫ મેચ પણ શંકાસ્પદ રહી હતી. જોકે ક્રિકેટની જે મેચોમાં ફિક્સિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાં ટીમ ઈન્ડિયાની કે આઇપીએલની એક પણ મેચ નથી.

સ્પોર્ટસરડાર ઈન્ટીગ્રિટી સર્વિસીસ નામનું આંતરરાષ્ટ્રીય સંગઠન રમતોમાં ફિક્સિંગ અંગે દેખરેખ રાખતી સંસ્થા છે. જે ઓનલાઈન સટ્ટામાં જોવા મળતા અસાધારણ ટ્રેન્ડ તેમજ મેચના અણધાર્યા પરિણામ સહિતના પાસાને ધ્યાનમાં રાખીને પોતાનો રિપોર્ટ તૈયાર કરે છે. સ્વિત્ઝર્લેન્ડ સ્થિત આ સંસ્થાને જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે ફિક્સિંગની આશંકા ધરાવતી મેચોમાં ૨૦૨૧ કરતાં ૨૦૨૨માં ૩૪ ટકા જેટલો વધારો થયો છે. તેમણે ૨૦૨૨માં કુલ મળીને ૧૨ જેટલી જુદી-જુદી રમતોમાં ૯૨ દેશોમાં રમાતી એવી ૧,૨૧૨ મેચો શોધી કાઢી છેકે, જેમાં ફિક્સિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફૂટબોલની ૭૭૫, બાસ્કેટબોલની ૨૨૦, ટેનિસની ૭૫, ટેબલ ટેનિસની ૬૨ તેમજ ઈ-સ્પોર્ટ્સની ૩૬ અને ક્રિકેટની ૧૩ મેચીસમા ફિક્સિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફિક્સિંગનો વ્યાપ આઇસહોકી, હેન્ડબોલ, વોલીબોલ, તીરંદાજીમાં પણ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ શંકાસ્પદ મેચીસ બ્રાઝિલમાં રમાઈ હતી. જ્યારે આ યાદીમાં રશિયા, ચેક રિપબ્લિક, ચીન, આર્જેન્ટીના, પોલેન્ડ, ગ્રીસ, કઝાખસ્તાનનો પણ સમાવેશ થાય છે.

(12:48 am IST)