Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

પોલીસ સીસીટીવી ફુટેજ તપાસી રહી છે

મુકેશ અંબાણીના ઘર બહાર સુરક્ષા વધારાઇ

ઘર બહાર શંકાસ્પદ ગાડીમાંથી મળી હતી ૨૦ જીલેટીન સ્ટીક

મુંબઇ, તા.૨૬: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર ગઇકાલે રાત્રે શંકાસ્પદ ગાડી અને તેમાં રખાયેલ વિસ્ફોટક પદાર્થ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્ર સરકારે મુકેશ અંબાણીના ઘર એટલે કે એન્ટીલીયાની બહાર સુરક્ષા વધુ કડક કરી દીધી છે અને મુંબઇ ક્રાંઇમ બ્રાંચને તપાસ સોંપી છે. પોલીસ સીસીટીવી ફુટેજ તપાસી રહેલ છે.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના દ્યરથી થોડે દૂર એક શંકાસ્પદ કાર મળવાથી ખળભળાટ મચી ગયો છે. સિલ્વર કલરની સ્કોર્પિયો કારમાંથી ૨૦ જિલેટિન સ્ટીકસ મળી આવી છે. દ્યટનાસ્થળ પર પહોંચેલી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે કારને પોતાના કબજામાં લઈ લીધી છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ગામદેવી પોલીસ સ્ટેશન અંતર્ગત કાર્મિકલ રોડ પર એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર ઊભેલી જોવા મળી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ ત્યાં પહોંચી ગઈ. કારની તપાસ કરવામાં આવી તો તેમાંથી વિસ્ફોટક સામગ્રી બનાવવામાં ઉપયોગ થતી જિલેટિન સ્ટીકસ મળી આવી હતી. જોકે, તેને અસેમ્બલ નહોંતી કરાઈ. મામલાની તપાસ ચાલી રહી છે.

આ ઘટના પર મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, 'મુંબઇમાં મુકેશ અંબાણીના ઘરથી થોડે દૂર એક સ્કોર્પિયો કાર જપ્ત કરાઈ છે. આ કારમાં જિલેટિન મળ્યું છે. તેની તપાસ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાઈ છે. જે પણ હકીકત હશે તે તપાસમાં જલદી જ બહાર આવશે.'

જણાવી દઈએ કે, જિલેટિન એક વિસ્ફોટક સામગ્રી છે. ટેકનિકલ ભાષામાં તેને નાઈટ્રોસેલ્યૂલોઝ કે ગન કોટન પણ કહેવાય છે. તેને નાઈટ્રોગ્લિસરીન કે નાઈટ્રોગ્લાયકોલમાં તોડીને તેમાં લાકડાની લુગદી કે સૂરોખાર મિકસ કરવામાં આવે છે. તે ધીરે-ધીરે સળગે છે અને સામાન્ય રીતે ડેટોનેટર્સ વિના વિસ્ફોટ નથી કરી શકતો. જિલેટિનનો ઉપયોગ પહાડોનો તોડવા માટે કરવામાં આવે છે.

(11:30 am IST)