Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

કોરોના રસી કેન્દ્રમાં સૌ પહેલા ગુજરાતના હોમગાર્ડઝ જવાનોની ડેટા એન્ટ્રી સોંપાઈ

હોમગાર્ડ ભવન, લાલદરવાજા ખાતે 72મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

દેશના 72મા પ્રજાસત્તાક દિન નિમિતે મંગળવારે અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલા હોમગાર્ડ ભવન ખાતે વિશેષ પરેડ, સલામી, રાષ્ટ્રગાન, મેડલ જાહેરાત સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગુજરાત રાજયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટના કમાન્ડન્ટ જનરલ ડો. નિરજા ગોટરુ, અમદાવાદ પશ્ચિમના જિલ્લા કમાન્ડન્ટ જબ્બારસિંહ શેખાવત, અમદાવાદ પૂર્વના જિલ્લા કમાન્ડન્ટ અશોક પટેલ, ડિવીઝન કમાન્ડન્ટ એસ.કે.યાદવ, ઉમેશ પરદેશી, દિપક પટેલ સહિતના મહાનુભાવોએ વિશેષ પરેડમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે સ્ટેટ કમાન્ડન્ટ જનરલ ડો. નીરજા ગોટરું અને અમદાવાદ પશ્ચિમના જિલ્લા કમાન્ડન્ટ જબ્બારસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન દરમિયાન કપરા કાળમાં ડોકટરો, નર્સો, પોલીસ તંત્રની સાથે હોમગાર્ડ જવાનો, જીઆરડી, બોર્ડર વીંગ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોએ પણ બહુ ઉમદા અને પ્રશંસનીય કામગીરી બજાવી હતી. માનદ્ અને નિષ્કામ સેવા હોવા છતાં હોમગાર્ડ જવાનોએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મદદરૂપ બનવાની સાથે સાથે રાજયના નાગરિકોને અને જરૂરિયાતમંદ લોકોને ખાવા-પીવાની કે આરોગ્ય વિષયક સહિતની અનેકવિધ સેવામાં ખડેપગે સરાહનીય ફરજ બજાવી હતી.

હવે ભારત દેશમાં કોરોના વેક્સિનની શોધ થઇ ગઇ છે અને તેના રસીકરણની કામગીરી ચાલી રહી છે. ત્યારે સૌથી નોંધનીય અને વિક્રમજનક કહી શકાય એવી બાબત એ છે કે, કોરોના વેકસીનના રસીકરણ માટે સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત અને અમદાવાદના હોમગાર્ડઝ જવાનોની ડેટા એન્ટ્રી અને વિગતો કેન્દ્ર સરકારમાં સુપ્રત કરી દેવાઇ છે. કોરોના વેકસીનના રસીકરણના હવે બીજા તબક્કામાં ફેબ્રુઆરી માસના પ્રારંભિક બે સપ્તાહમાં પોલીસ તંત્રની સાથે સાથે હોમગાર્ડ જવાનોને કોરોના વેકસીનની રસીકરણની કામગીરી હાથ ધરાશે.

ગુજરાત રાજયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટના કમાન્ડન્ટ જનરલ ડો.નીરજા ગોટરુ અને અમદાવાદ પશ્ચિમના જિલ્લા કમાન્ડન્ટ જબ્બારસિંહ શેખાવતે વધુમાં જણાવ્યું કે, હોમગાર્ડ જવાનોની સેવા એ એક નિષ્કામ અને નિ:સ્વાર્થ સેવા છે. જે હરહંમેશ પોલીસ તંત્રની સાથે ખભેખભો મિલાવી ફરજમાં તૈનાત રહે છે અને નાગરિકોની સેવા કરવા માટે પણ સદાય તત્પર રહે છે. કોરોના કાળમાં ગુજરાતના 300થી વધુ હોમગાર્ડ જવાનો કોરોનાગ્રસ્ત બન્યા હતા, જેમાંથી દસ જવાનોના અકાળે મૃત્યુ નીપજતાં તેઓને રાજય સરકારની જાહેરાત મુજબ, 25-25 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવાય તેના અસરકારક પ્રયાસો હાથ ધરાયા હતા. ત્રણ હોમગાર્ડ જવાનોના પરિવારજનોને સહાયની રકમ ચૂકવાઇ ગઇ છે, જયારે બાકીના કિસ્સામાં ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે

(12:20 am IST)