Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

૭૦% વસતી ફરજિયાત માસ્ક પહેરે તો કોરોના અટકી શકે

ફિઝિક્સ ઓફ ફ્લુઈડ્સના જર્નલનો અભ્યાસ : વ્યક્તિનું નાક યોગ્ય ને સ્વચ્છ રીતે ઢાંકી શકાય એવું માસ્ક હોય તો વાયરસનને ફેલાતો ટકાવી શકાતો હોવાનું તારણ

સિંગાપોર,તા.૨૫ : કોરોના વાયરસની મહામારીને અટકાવવા માટે લોકોને સતત સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને માસ્ક પહેવાની સલાહ આપવામાં આવે છે. હવે એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે જો ૭૦% વસ્તી ફરજિયાત માસ્ક પહેરે તો પણ કોરોનાને ફેલાતો અટકાવી શકાય તેમ છે. માસ્ક કેવા પ્રકારનું છે તે પણ આ વિષયમાં મહત્વનો ભાગ ભજવે છે. ફિઝિક્સ ઓફ ફ્લુઈડ્સના પબ્લિશ થયેલા જર્નલમાં એ સાબિત થયું કે મોટાભાગના કિસ્સામાં ફેસ માસ્ક પહેરવાની કાળજી રાખવામાં ના આવતી હોવાના કારણે કોરોના વાયરસ ફેલાય છે. આવામાં જો અમુક સંખ્યામાં લોકો માસ્ક રહેતા થઈ જાય તો વાયરસને ફેલાતો અટકાવી શકાય છે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સંજય કુમાર આ સ્ટડીમાં લખે છે કે, સારી ક્વોલિટીના ફેસ માસ્ક જેવા કે સર્જિકલ માસ્ક ૭૦% વસ્તી દ્વારા પણ જો જાહેરમાં પહેરવામાં આવે તો કોરોના વાયરસની ચેનને અટકાવી શકાય તેમ છે. તેમણે એમ પણ જણાવ્યું કે જો સાધારણ કપડામાંથી બનાવેલું માસ્ક વારંવાર પહેરવામાં આવે તો પણ તે વાયરસને ફેલાવાની ગતિને ઓછી કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વ્યક્તિ જ્યારે વાત કરે છે,ગાય છે, છીંક ખાય છે, ખાંસી ખાય છે કે પછી શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે ત્યારે અમુક લાળ કે થૂંકના કણો હવામાં ઉડે છે જે કોરોના ફેલાવાનું કારણ બની શકે છે.

એક્સપર્ટ્સ જણાવે છે કે, થૂંક કે લાળના છાંટા ૫-૧૦ માઈક્રોન્સના હોય છે, જે સામાન્ય છે પરંતુ ૫ કરતા નાના માઈક્રોન્સના છાંટા વધારે ખતરનાક સાબિત થાય છે. જેની સરખામણીમાં વાળ ૭૦ માઈક્રોન્સના ડાયામીટરમાં હોય છે. વ્યક્તિ અલગ અલગ પ્રકારના માસ્કનો ઉપયોગ કરે છે જેમાં કપડાના માસ્ક, સર્જિકલ માસ્ક કે એન૯૫ માસ્કનો સમાવેશ થાય છે જે હવામાં જતા ડ્રોપલેટ્સને અટકાવે છે. રિસર્ચમાં એ પણ સાબિત થયું કે મેડિકલ ક્ષેત્રે કે પછી એ પ્રકારનું કામ કરતા લોકો કલાકો સુધી માસ્ક પહેરી રાખે છે જેનાથી તેમને સુરક્ષા મળે છે અને વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.

પોલિમર મટીરિયલ્સમાંથી બનેલા માસ્ક સારી રીતે વાયરસ ફેલાવનારા ડ્રોપલેટ્સને અટકાવવામાં મદદરુપ થાય છે. આ પ્રકારના માસ્ક શ્વાસોચ્છવાસ દરમિયાન મોઢાને ગરમ થવા નથી થવા દેતા. આ રિસર્ચ સાથે જોડાયેલા અન્ય એક્સપર્ટ પુહ લી જણાવે છે, ફેસ માસ્કની શ્વાસ અને તેનો ફ્લો રોકી શકવાની ક્ષમતા વચ્ચે સંબંધ હોઈ શકે છે, જે ફેસ માસ્ક પહેરી રાખવાના અંતરાલના અભ્યાસ માટે જાણવું જરૂરી છે. તેઓ વધુમાં એમ પણ જણાવે છે કે મોઢાથી અમુક અંતરે માસ્ક રહેવાથી તે વધારે સારું પરિણામ આવે છે.

(7:30 pm IST)