Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

વિશ્વના 100 દેશોના રાજદૂત પુણેમાં કોવિડ-રસી 'કોવીશિલ્ડ'ના નિર્માણ-કેન્દ્રોની મુલાકાતે આવશે

ચોથી ડિસેમ્બરે પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને જિનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (GBL)ના કેન્દ્રોની મુલાકાત લેશે : પીએમ પણ પુણે આવે તેવી શકયતા

નવી દિલ્હીઃ દુનિયાના 100 દેશોના રાજદૂતો આવતી ચોથી ડિસેમ્બરે પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને જિનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (GBL)ના કેન્દ્રોની મુલાકાત લેવાના છે. તેમની એ મુલાકાતથી ભારતના વિદેશ મંત્રાલયની કોવિડ-19 સામેની મુત્સદ્દીગીરીને બળ મળશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સંસ્થા 'કોવીશિલ્ડ' નામે કોરોના વાઈરસ મહાબીમારીની રસી બનાવી રહી છે.

વડા પ્રધાન મોદી પણ પુણે શહેરની મુલાકાત લે તેવી શકયતા છે એમ પુણેના ડિવિઝનલ કમિશનર સૌરભ રાવે જણાવ્યું છે પીએમ મોદીની સંભવિત પુણે મુલાકાતનો હેતુ કોવિડ-19ની વિવિધ રસીઓમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની રસી નિર્માણની સ્થિતિની સમીક્ષાનો તેમજ રસીના લોન્ચિંગ, ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા વિશેની જાણકારી મેળવવાનો રહેશે.

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ SII અને GBL સહિત સાત કંપનીઓને પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ, પરીક્ષણ અને વિશ્લેષણ માટે કોવિડ-19 રસી બનાવવા માટે લાઇસન્સ મંજૂરી આપી છે. SII વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક સંસ્થા છે. સીરમે 'કોવીશિલ્ડ' નામે કોવિડ-19 રસીના ઉત્પાદન માટે એસ્ટ્રાઝેનકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે

(6:30 pm IST)