Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદ પટેલ ઈન્દિરાના જમાનાથી કોંગ્રેસના ટ્રબલશૂટર તરીકે ઓળખાતા

રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલનું કદ વધ્યું હતું: પટેલની ગણતરી કોંગ્રેસના શકિતશાળી નેતાઓમાં થતી હતીઃ પણ તેઓ કયારેય સરકારનો હિસ્સો નહોતા રહ્યા

નવી દિલ્હી, તા.૨૫: કોંગ્રેસનેતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની ઉંમરે બુધવારે નિધન થઈ ગયું છે. પટેલ કોંગ્રેસના સંકટમોચક હતા. તેઓ સોનિયા ગાંધીના સૌથી અંગત સલાહકારોમાં સામેલ હતા. પટેલની ગણતરી કોંગ્રેસના શકિતશાળી નેતાઓમાં થતી હતી, પણ તેઓ કયારેય સરકારનો હિસ્સો નહોતા રહ્યા. ગાંધી પરિવાર સાથે પટેલનો સંબંધ ઈન્દિરાના જમાનાથી હતો. ૧૯૭૭માં જયારે તેઓ માત્ર ૨૮ વર્ષના હતા, તો ઈન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી હતી.

કોંગ્રેસમાં અહેમદ પટેલનું કદ ૧૯૮૦ અને ૧૯૮૪ના સમયે વધ્યું, જયારે ઈન્દિરા ગાંધીના પછી જવાબદારી સંભાળવા માટે રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી ૧૯૮૪માં લોકસભાની ૪૦૦ બેઠકની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા અને પટેલને કોંગ્રેસ સાંસદ હોવા સિવાય પાર્ટીના સંયુકત સચિવ બનાવાયા હતા. તેમણે થોડાક સમય માટે સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.

૧૯૯૧માં જયારે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો અહેમદ પટેલને સાઈડમાં કરી દેવાયા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યપદ સિવાયનાં તમામ પદો પરથી અહેમદને હટાવી દેવાયા. એ વખતે ગાંધી પરિવારનો પ્રભાવ પણ ઓછો થયો હતો, એટલા માટે પરિવારોની વફાદાર વ્યકિતઓએ મુશ્કેલી સામે ઝઝૂમવું પડ્યું હતું. નરસિમ્હા રાવે મંત્રીપદની રજૂઆત કરી તો પટેલે ઠુકરાવી દીધી હતી. તેઓ ગુજરાતથી લોકસભા ચૂંટણી પણ હારી ગયા અને તેમને સરકારી ઘર ખાલી કરવા માટે સતત નોટિસ મળવા લાગી, પણ કોઈની પાસેથી મદદ ન લીધી.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, મોડી રાત સુધી કામ કરવું અને કોઈપણ કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ પણ સમયે ફોન પર કોઈપણ કામ સોંપી દેવું એ પટેલની આદત હતી. કહેવામાં આવે છે કે તેઓ એક મોબાઈલ ફોન હંમેશાં ફ્રી રાખતા હતા, જેની પર માત્ર ૧૦ જનપથથી જ ફોન આવતા હતા. તેઓ એકદમ સ્ટ્રેટેજિક રીતે કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પડકારોનો સામનો કરવા માટે પણ નિવેદનબાજી કરવાની જગ્યાએ સ્ટ્રેટેજીથી કામ કરવાની વાત કહેતા હતા.

(10:00 am IST)