Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

તહેવારોમાં સંયમથી રહો, સ્થાનિક વસ્તુ ખરીદો : પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કરી : દશેરા સંકટો પર જીતનો પર્વ, અસત્ય પર સત્યની જીતનો પર્વ છે, સાથોસાથ તહેવારો સંકટ પર જીતનો પણ ઉત્સવ

નવી દિલ્હી,તા.૨૫ : આજે દશેરાના તહેવારને દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કર્યો. પીએમના મન કી બાત કાર્યક્રમની આ ૭૦મી કડી છે. મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દશેરા સંકટો પર જીતનો પર્વ છે. દશેરા અસત્ય પર સત્યની જીતનો પર્વ છે જ, સાથોસાથ આ તહેવારો સંકટ પર જીતનો પણ ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈનિકોને વિજયાદશમીની શુભકામાનાઓ પાઠવતાં કહ્યું કે આ વખતે દિવાળીમાં એક દીપક સરહદ પર તૈનાત સૈનિકોના નામે પ્રગટાવજો. પીએમ મોદીએ ફરી એકવાર દેશની જનતાને અપીલ કરતા કહ્યું કે હાલમાં તહેવારની સીઝન આવવાની છે. આ દરમિયાન લોકો ખરીદી કરશે, તમે ખરીદી દરમિયાન વોકલ ફોર લોકલનો સંદેશ ચોક્કસ યાદ રાખે અને સ્વદેશી સામાનને ખરીદો. પોતાના વક્તવ્યમાં તેમણે આગળ કહ્યું કે આપણે આપણા એ જાંબાઝ જવાનોને પણ યાદ રાખવા જોઈએ, જે આ તહેવારોમાં પણ સરહદ પર તૈનાત છે, ભારત માતાની સેવા અને સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને યાદ કરીને જ તહેવાર ઉજવવાના છે, ઘરમાં એક દીપક પ્રગટાવો, ભારત માતાના આ વીર સંતાનોના સન્માન કરવાનું છે. વડાપ્રધાન મોદીએ ખાદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ખાદી આપણી સાદગીની ઓળખ છે, પરંતુ આપણી ખાદી આજે ઇકો ફ્રેન્ડલી ફેબ્રિકના રૂપમાં જાણીતી થઈ રહી છે. તે બોડી ફ્રેન્ડલી ફેબ્રિક પણ છે. આ સંદર્ભે પીએમ મોદીએ મેક્સિકોના ઓહાકાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે 'મેક્સિકોમાં એક જગ્યા છે ઓહાકા. આ વિસ્તારમાં અનેક એવા ગામ છે જ્યાં સ્થાનિકો ખાદી વણવાનું કામ કરે છે. આજે અહીંની ખાદી ઓહાકા ખાદી'ના નામે પ્રસિદ્ધ થઈ છે. કાર્યક્રમ દ્વારા પીએ મોદીએ દેશવાસીઓને એક વેબસાઈટનો પણ આગ્રહ કર્યો. આ વેબસાઈટ તેમણે જણાવ્યું કે તેમાં નેશનલ ઈન્ટિગ્રેશનની આપણી મુહિમને આગળ વધારવાના અનેક પ્રયત્નો જોવા મળશે. પીએમ મોદીએ કહ્યું કે તમે આ વેબસાઈટ દ્વારા કન્ટ્રિબ્યુટ પણ કરો, જેમ કે દરેક રાજ્ય અને સંસ્કૃતિમાં અલગ અલગ ખાનપાન હોય છે. આ વ્યંજન સ્થાનિક સ્તરે ખાસ ઈન્ગ્રિડિયન્ટસ એટલે કે અનાજ, અને મસાલાથી બને છે. શું આપણે આ લોકલ ફૂડની રેસિપીને લોકલ ઈન્ગ્રિડિયન્ટ્સના નામ સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારત વેબસાઈટ પર શેર કરી શકીએ?

યુનિટી અને ઈમ્યુનિટી વધારવા માટે આનાથી સારો ઉપાય કયો હોઈ શકે? આ પહેલા, વડાપ્રધાન મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલના માધ્યમથી દેશવાસીઓને પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત સાંભળવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને કહ્યું હતું કે એપનો ઉપયોગ કરીને કે ૧૮૦૦-૧૧-૭૮૦૦ પર કૉલ કરીને તમે પોતાના સંદેશાઓને રેકોર્ડ કરીને પોતાના સવાલ અને સૂચન મોકલી શકો છો.

(7:26 pm IST)