Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

તમારા ઘરમાં રહેતા બાળકો માત્ર તમારું ભવિષ્ય નથી પરંતુ તેઓ આખા દેશનું ભવિષ્ય છે, તો અમને દેશનું ભવિષ્ય સુધારવાની તક આપો : ભાજપ સરકારે સિંચાઈના પાણી માટે મીટર લગાવવાનો નિયમ બનાવ્યો છે, પરંતુ અમારી સરકાર બનતાની સાથે જ અમે આ નિયમ રદ કરીશુ બેઈમાનોની સરકારને બંધ કરીશું, ઈમાનદાર સરકારનું શાસન લાવીશું : દિલ્હીની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા 3,00,000 થી વધુ બાળકોએ આજે ​​સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે: મનીષ સિસોદિયા

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ દિયોદરમાં જનસંવાદને સંબોધી : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી પણ ઉપસ્થિત

રાજકોટ તા.૨૫ :દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ દિયોદરમાં જનસંવાદને સંબોધતા કહ્યું કે, અત્યારે ઇસુદાનભાઈ અને ભેમાભાઈએ મને એક વાત કહી કે, હવે સરકાર ખેડૂતોના સિંચાઈના પાણી માટે મીટર લગાવવા જઈ રહી છે, હું કહેવા માંગુ છું કે આનાથી ખરાબ કોઈ પગલું હોઈ શકે નહીં. જે લોકો નદીઓ અને નહેરોમાંથી પાણી કાઢીને બોટલમાં વહેંચે છે તેમને સરકાર મફતમાં પાણી આપે છે, પરંતુ જ્યારે ખેડૂત સિંચાઈ માટે પાણીની વાત કરે છે ત્યારે સરકાર તે પાણી માટે મીટર લગાવે છે. અરવિંદ કેજરીવાલજીના પ્રતિનિધિ તરીકે હું ગુજરાતના ખેડૂતોને વચન આપું છું કે ડિસેમ્બરમાં જ્યારે અમારી સરકાર બનશે ત્યારે અમે આ નિયમને રદ્દ કરીશું અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે મીટરથી મુક્તિ અપાવીશું.

દિલ્હીની સરકારી શાળાઓમાં મોટાભાગના ગરીબ બાળકો ભણતા હતા.  પરંતુ આજે અમીરોના બાળકો પણ સરકારી શાળામાં ભણવા આવે છે.  આજે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા 300,000 થી વધુ બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે.  પરંતુ ગુજરાતમાં ઉલટું થઈ રહ્યું છે.  ગુજરાતમાં અત્યાર સુધીમાં લગભગ 6000 સરકારી શાળાઓ બંધ કરવામાં આવી છે.  અમે ઈચ્છીએ છીએ કે સરકારી શાળાઓ દ્વારા આખા દેશનું ભવિષ્ય સારું બને, પરંતુ માત્ર દિલ્હીની સરકારી શાળાઓને સારી બનાવવાથી આખા દેશનું ભવિષ્ય નહીં બને.  અમને દિલ્હીમાં તક આપી તો અમે દિલ્હીમાં શિક્ષણ દ્વારા બાળકોનું ભવિષ્ય સારું બનાવ્યું, હવે અમે પંજાબમાં શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરીને ત્યાંના બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ.  તેથી જ હું ગુજરાતના લોકોને હાથ જોડીને વિનંતી કરું છું કે અમને અમારા બાળકોનું સારું ભવિષ્ય બનાવવાની તક આપો.  તમારા ઘરમાં રહેતા બાળકો માત્ર તમારું ભવિષ્ય નથી પરંતુ તેઓ આખા દેશનું ભવિષ્ય છે, તો અમને દેશનું ભવિષ્ય સુધારવાની તક આપો.

 

 

જ્યારે કેજરીવાલજી ગેરંટી આપે છે કે વીજળી મફત આપીશું, મહિલાઓને 1000 રૂપિયા આપીશું, બેરોજગારોને 3000 રૂપિયા આપીશું, તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દઇશું અને મફત શિક્ષણ આપીશું, તમામ સરકારી હોસ્પિટલોને શાનદાર બનાવીશું, મફત દવાઓ આપીશું, મફત સારવાર આપવામાં આવશે ત્યારે આ ભાજપનાં લોકો કહે છે કે , રેવડી વહેંચશો નહીં. રેવડીને વહેંચવા માટે પૈસા ક્યાંથી લાવશો? પૈસા ક્યાંથી આવશે હું જણાવીશ, મહેસાણાના એક ધારાસભ્ય છે, મંત્રી પણ રહી ચૂક્યા છે, રાજકારણમાં આવ્યા પહેલા આ ધારાસભ્ય પાસે 4 વીઘા જમીન હતી, 4 વીઘા જમીનમાંથી 1000 વીઘા જમીનના માલિક બની ગયા, પૈસા ત્યાંથી આવશે. જ્યારે કેજરીવાલજી કહે છે કે મારી બહેનો દીકરીઓને 1000 રૂપિયા આપીશ, શાળાઓ બનાવીશ, હોસ્પિટલો બનાવીશ, જનતા માટે વીજળીનું બિલ મફત કરીશ, તો આ પૈસા ત્યાંથી જ આવશે જ્યાંથી 4 વીઘા જમીનનો માલિક, 1000 વીઘા જમીનનો માલિક બની જાય છે. આ તેમના પિતાજીની જમીન નથી, આ લોકોએ આપણી અને તમારા ભાગની જમીન પડાવી ખાધી છે. બેઈમાનીની સરકારને બંધ કરીશું, ઈમાનદાર સરકારનું શાસન લાવીશું. સરકાર પાસે પૈસાની અછત નથી, નિયતની અછત છે. તેમની નિયત ખરાબ છે, તેમને કંઈ આવડતું નથી. અરવિંદ કેજરીવાલજીને આવડે છે, અરવિંદ કેજરીવાલજીની નિયત સાફ છે.

 

આવી વ્યક્તિને લઈ લેતા જે રાજનીતિમાં દલાલી કરી લેતો હોય, જે પ્રોપર્ટીનો કબજો રાખ્યો હોય, 4 વીઘા જમીન માંથી પોતાની 40 વીઘા જમીન બનાવી લીધી હોય, આવી રાજનીતિ અમને આવડતી નથી. અરવિંદ કેજરીવાલજીએ એવા એવા લોકોને શોધીને કાઢ્યા છે જેઓ આંદોલન કરતા હતા. ભેમાભાઈ ચૌધરી બહુ સારા માણસ છે. તેઓ તમારા પાણી માટે લડ્યા છે, મર્યા છે, ઉપવાસ કર્યા છે. જ્યારે તેઓ રાજનીતિમાં નહોતા, ત્યારે કૈંઇ નહોતા, ત્યારે તેઓ અહીંના લોકો માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર હતા. કાલે એમને ધારાસભ્ય બનાવીને મોકલી દો. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં  આ સરકાર ચલાવી રહ્યા હશે. જરૂર પડ્યે તેઓ તમારા માટે પોતાનો જીવ પણ આપી શકે છે, અમે એવા એવા લોકો વિશે સાંભળ્યું છે, જેઓ શિક્ષણ મંત્રી બન્યા પછી પોતાના વિસ્તારમાં  પણ એક શાળાનું સમારકામ કરાવી શક્યા નથી, આવા ચોરોને ચૂંટીને મોકલવાનો શું ફાયદો? એવા લોકોને જીતાડો જેઓ લડી મરે છે.

 

 

દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજીએ દિયોદરમાં જનસંવાદને સંબોધતા કહ્યું કે, પરિવર્તનની આ પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં બધે અવાજ ઉઠી રહ્યો છે કે હવે પરિવર્તનની જરૂર છે, હવે પરિવર્તનની જરૂર છે, પરિવર્તનની રાહ જોતા હવે 27 વર્ષ થઈ ગયા છે. આટલા વર્ષોમાં મુખ્યમંત્રી બદલાયા છે, નેતાઓ બદલાયા છે પણ જે બદલાયું નથી તે આપણી શાળાઓ છે. શાળાઓ નથી બદલાઈ, હોસ્પિટલો નથી બદલાયા, વીજળીના બિલ નથી બદલાયા, પેપર ફૂટવાનું  નથી બદલાયું, રોજગાર નથી અપાયો, મોંઘવારીની હાલત નથી બદલાઈ. જેમ તમે લોકો માનવા  લાગ્યા કે પરિવર્તન જરૂરી છે ત્યારથી ભાજપે પણ પરિવર્તનનું ચક્ર ચલાવવાનું શરૂ કર્યું. ભાજપના ઈતિહાસમાં તેમણે ત્રણ વખત મુખ્યમંત્રી બદલ્યા છે. તેમણે મુખ્યમંત્રી બદલવા પડ્યા કારણ કે દિયોદરના ભાઈ-બહેનો હવે કહેવા લાગ્યા કે અમને કેજરીવાલજી જેવી શાળા જોઈએ છે. કેજરીવાલજીએ જે રીતે દિલ્હીમાં શાળાઓ બનાવી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ બનાવવી જોઈએ. તેઓ કેજરીવાલજીથી ડરતા નથી, તેઓ કેજરીવાલજી દ્વારા બનાવવામાં આવેલી શાળાઓથી ડરે છે. જો ગુજરાતના લોકો કેજરીવાલજીની જેમ શાળાઓ બનાવવાનું વિચારી લેશે તો ઝાડુંનું બટન દબાવશે અને પછી શાળાઓ તો બની જશે.

 

છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસને મોકો આપ્યો તો બદલામાં શું મળ્યું? કોઈ શાળા નથી આપી, કોઈ હોસ્પિટલ નથી આપ્યા, કોઈ નોકરી પણ નથી આપી. છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જ લોકો કોંગ્રેસને વોટ આપે છે તેઓ કહે છે કે અમે કોંગ્રેસને વોટ આપીએ છીએ પરંતુ કોંગ્રેસ ભાજપની સરકાર બનાવે છે. ગુજરાતમાં એક જ મુદ્દો ચાલી રહ્યો છે, બસ હવે તો પરિવર્તનની જરૂર છે, હવે માત્ર પરિવર્તનની જરૂર છે. તમે કેજરીવાલ જીને એક મોકો આપો અને જુઓ, તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. જેમ દિલ્હીમાં આવવા લાગ્યું છે તેમ પંજાબમાં પણ આવવા લાગ્યું છે. તમે 27 વર્ષથી ભાજપને જોઈ, કોંગ્રેસને જોઈ, હવે એક વાર અરવિંદ કેજરીવાલને તક આપીને જુઓ.

 

 

 

જ્યારે કોઈ માણસ નાહવા માટેનો સાબુ ખરીદવા જાય છે ત્યારે  તેના પર ટેક્સ આપીને આવે છે. ઘરમાં ચા બનાવવા માટે ચાની પત્તી, મીઠું અને દૂધ ખરીદીને લાવે છે, તેના પર પણ ટેક્સ ભરીને આવે છે, એવું નથી કે તે મફતમાં માંગે છે. સામાન્ય માણસ આ ટેક્સ કેમ આપે છે? મીઠા પર ટેક્સ છે, દૂધ પર ટેક્સ છે, દહીં પર ટેક્સ છે, સાબુ પર ટેક્સ છે, નાહવાથી લઇને રાતની વીજળીની સ્વીચ ઓન કરે છે તેના પર ટેક્સ આપે છે, તમે રાત્રે ઇલેક્ટ્રિક બલ્બ બંધ કરીને સુઈ જાઓ છો, પરંતુ પંખો ચાલુ હોય તો પણ સરકાર તમારી પાસેથી ટેક્સ વસુલે છે, એવું ન વિચારતા કે તમે ક્યારેય સરકારને ટેક્સ નથી આપતા. અહીં બેઠેલો દરેક વ્યક્તિ, ગરીબથી ગરીબ વ્યક્તિ સરકારને ટેક્સ ભરે છે અને તેના બદલે અમારે સરકારને કહેવું છે કે, મારા બાળકોને સારી સરકારી શાળાઓ આપો, તે ભીખ નથી માંગી રહ્યો, તે પોતાનો અધિકાર માંગી રહ્યો છે. અહીં બેઠેલો સૌથી ગરીબથી ગરીબ માણસ ટેક્સ ભરે છે અને તેના બદલામાં જો તે સરકારને કહે છે કે મારે હોસ્પિટલ જોઈએ છે તો સરકાર તેમના પર કોઈ ઉપકાર નથી કરી રહી, તેનો હક છે અને તેથી જ તે ટેક્સ ભરી રહ્યો છે. આ લોકો કહી રહ્યા છે કે, મફત ની રેવડી,  મફતની રેવડી આપીને સરકારને લૂંટી લેશે. લોકો અમને કહેતા હતા કે તમે મોટી મોટી વાત કરો છો, પણ પૈસા ક્યાંથી લાવશો? પરંતુ અમે ટેક્સના પૈસા ઈમાનદારીથી ખર્ચવાનું શરૂ કર્યું તો કોઈ પણ નવો ટેક્સ લગાવ્યા વિના પહેલા 30000 કરોડનો ટેક્સ જમા થતો હતો, હવે તે 75000 કરોડ જમા થાય છે. અમે ઈમાનદારીથી ટેક્સ વસૂલ્યો અને ચોરી અટકાવી. અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર નથી પરંતુ ડબલ ચોરીની સરકાર

અમિતશાહજી ને તમે ક્યારથી ઓળખો છો? તમે 27 વર્ષથી ભાજપને જોઈ રહ્યા છો. શું તમે ક્યારેય જોયું છે કે અમિત શાહજી શાળાએ જતા હોય એવો ફોટો આવ્યો હોય. જ્યારે તમે કહ્યું કે આ વખતે જે શાળા બનાવનાર પાર્ટીને અમે વોટ આપવાનાં છીએ ત્યારે અમિત શાહજી દિલ્હીથી દોડતા-દોડતા આવ્યા હતા. એક શાળામાં ફોટો પડાવ્યો અને કહ્યું મિત્રો, હું પણ શાળા બનાવું છું. અત્યારે તો અરવિંદ કેજરીવાલજીની રાજનીતિનાં પગ પડ્યા છે. જે દિવસે જનતા એ અરવિંદ કેજરીવાલજીને વોટ આપી દીધો , જે દિવસે અરવિંદજીને એક મોકો આપી દીધો એ દિવસે અમિતજી શાળામાં જશે અને કહેશે કે મારે ભણવું પડશે, અને આ થશે. તમે ક્યારેય અમિત શાહજીનો એવો ફોટો જોયો છે કે કોઈ જગ્યાએ સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું હોય? કોઈ સ્કૂલના રૂમમાં ગયા હોય? નહીં જોયા હોય, પરંતુ અરવિંદ કેજરીવાલજીનાં ડરથી પહેલીવાર અમિતજી શાળાએ ગયા અને ત્યાં ફોટો પડાવ્યો અને સોશિયલ મીડિયા પર મૂક્યો, પરંતુ કમનસીબે ત્યાં કોઈ બાળકો હતા જ નહીં. રાજનીતિ બદલવાની તાકાત કેજરીવાલજી પાસે જ છે.

ગ્રેજ્યુએશન થયા પછી, છોકરાઓ ઘણા વર્ષોથી તૈયારી કરે છે. એક છોકરો ગ્રેજ્યુએશન થયા પછી ઘણા મહિનાઓ, ઘણા વર્ષો સુધી તૈયારી કરે છે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં બેસીને, અને તે પછી નેતાના દલાલો પેપર લીક કરે છે અને તે પછી તેઓ કહે છે કે અમે શું કરીએ? ઇસુદાનભાઈ પત્રકારત્વ છોડીને અહીં આવ્યા છે કારણ કે, તેમના હૃદયમાં દર્દ છે, નોકરી માટે રડતા લોકોને તેમણે પત્રકાર તરીકે જોયા છે. એ ગુસ્સો તેમને નોકરીમાંથી કાઢીને અહીં લાવ્યો છે. તેને ઠીક કરવા તેઓ રાજકારણમાં આવ્યા છે.

 

તમે કેજરીવાલજી પર વિશ્વાસ કરો. હું આ કહીને જઈ રહ્યો છું કે, કેજરીવાલ જી પર ભરોસો ન કરો, મારા પર વિશ્વાસ ન કરો, પરંતુ દિલ્હીમાં તમારા કોઈ સંબંધી પર વિશ્વાસ કરો અને તેમને પૂછો કે કેજરીવાલજીએ કામ કર્યું છે કે નહીં? પછી મત આપજો. ભાજપે શું કર્યું તે માટે સ્વજનોને પૂછવાની જરૂર નથી. તમારું ઘર જુઓ, તમારા ખેતરો જુઓ, તમારા પશુઓ જુઓ, તમારા બાળકોને જુઓ, તમને ખબર પડશે કે ભાજપે તમારા માટે શું કર્યું છે? કેજરીવાલજીએ દિલ્હી માટે શું કર્યું? પંજાબ માટે શું કર્યું? કોઈને એકને ફોન કરીને પૂછી લેજો.

હવે લોકો કેજરીવાલજી પર વિશ્વાસ કરવા લાગ્યા છે. આજે ગુજરાતમાં પણ આ જ અવાજ ઉઠવા લાગ્યો છે કે અમને પણ કેજરીવાલજીની રાજનીતિ જોઈએ છે. કેજરીવાલજીએ કહ્યું કે અમે શાળાને ઠીક કરીશું, 5 વર્ષથી વધુ સમય નહીં લાગે, હોસ્પિટલને ઠીક કરવામાં 5 વર્ષથી વધુ સમય નહીં લાગે અને સરકાર બનતાની સાથે જ પેપર લીક થવાનું બંધ થઈ જશે, તેના માટે તો 5 દિવસની પણ જરૂર નથી, 5 કલાક અંદર, અમે એવી વ્યવસ્થા કરીશું કે આગામી પેપર લીક નહીં થાય.

આ મહત્વપૂર્ણ જનસંવાદ કાર્યક્રમમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

(8:41 pm IST)