Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ઈરાનમાં હિજાબ મામલે અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન:અત્યાર સુધીમાં 5 સુરક્ષાકર્મી સહિત 50 લોકોના મોત

ઈરાનમાં એક સપ્તાહ પહેલા હિજાબ ના પહેરવાના આરોપસર મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ ઈરાન વિરોધની આગમાં હોમાયું

ઈરનમાં 22 વર્ષની મહિલાની હત્યાને લઈને શરૂ થયેલો આક્રોશ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. હિજાબ ન પહેરવાને લઈને મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદથી ઈરાનના અનેક વિસ્તારોમાં ભારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઈરાનમાં વિભિન્ન વિસ્તારોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 50 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં 5 સુરક્ષાકર્મી પણ સામેલ છે. જોકે, સમૂહનું કહેવું છે કે, મૃતક આંક વધી શકે છે.

ઈરાનમાં એક સપ્તાહ પહેલા મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું હતું. આ ઘટના બાદથી ઈરાન વિરોધની આગમાં ઉકળી રહ્યું છે. સામાન્ય જનતા ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ હિજાબ પહેરવાનો વિરોધ વ્યક્ત કરી રહી છે. અમીનીની હિજાબ ન પહેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 50 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, ઈરાન સરકારનો સત્તાવાર મૃતક આંક ગુરૂવાર સુધી 17 હતો.

સીએચઆરઆઈએ ગુરૂવારે મોડી રાત્રે એક ટ્વિટર પોસ્ટમાં કહ્યું કે, ઈરાનમાં વિરોધ પ્રદર્શનના 7માં દિવસે અધિકારીઓએ ઓછામાં ઓછા 17 લોકોના મોતની વાત સ્વીકારી છે. પરંતુ હવે તે આંકડો 50 પર પહોંચી ગયો છે. તેમાં પણ મૃતક આંક વધવાની શક્યતા છે. વિશ્વના નેતાઓએ શાંતિપૂર્ણ વિરોધને મંજૂરી આપવા માટે ઈરાની અધિકારીઓ પર દબાણ કરવું જોઈએ.

16 સપ્ટેમ્બરના રોજ અમીનીના મોત બાદ ઈરાનના પ્રમુખ શહેરોમાં હિંસા ભડકી ગઈ હતી. રાજધાની તેહરાનની સાથે-સાથે ઈસ્ફહાન, મશહાદ, રશ્ત અને સાકેઝ શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. 

સીએચઆરઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો પ્રમાણે ઈરાની સરકાર પ્રદર્શનકારીઓ સામે ઉગ્ર બની છે. નિઃશસ્ત્ર વિરોધીઓ પર દારૂગોળો, પેલેટ ગન અને ટીયર ગેસથી જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે

(10:15 pm IST)