Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

વીજ જોડાણની કંપની પણ બદલવા સક્ષમ થઈ શકશો

મોદી સરકાર લાવવા જઈ રહી નવો કાયદો : મોબાઇલ નંબર પોર્ટેડ કરી એક ટેલિકોમ કંપનીથી બીજી કંપનીમાં બદલી શકો છો તેમ વીજ જોડાણ પણ બદલી શકાશે

નવી દિલ્હી, તા.૨૫ : જેમ તમે તમારો મોબાઇલ નંબર પોર્ટેડ કરી એક ટેલિકોમ કંપનીથી બીજી કંપનીમાં બદલી શકો છો, તેમ હવે વીજ જોડાણની કંપની પણ બદલવા સક્ષમ થઈ શકશો. અત્યારે સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં, સરકાર ઈલેક્ટ્રીસિટી (અમેંડમેન્ટ) બિલ, ૨૦૨૧ને કેબિનેટમાં મંજૂરી માટે મુકી શકે છે. નવા સુધારેલા કાયદા મુજબ, ગ્રાહકો મોબાઇલ કનેક્શનને પોર્ટ કરે છે તે રીતે વીજ કનેક્શનની કંપની પણ બદલી શકશે. સરકારનું કહેવું છે કે, આનાથી વીજ ગ્રાહકોને વધુ સારી સુવિધા મળશે.

ચોમાસું સત્ર ૧૩ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ સમાપ્ત થશે. ૧૨ જુલાઈ, ૨૦૨૧ના રોજ જાહેર કરવામાં આવેલી લોકસભાના બુલેટિન મુજબ, વર્તમાન સંસદ સત્રમાં રજૂઆત માટે સરકારે જે ૧૭ બિલ રજૂ કરવા લીસ્ટ તૈયાર કર્યું છે, તેમાં વીજળી (સુધારા) બિલ પણ શામેલ છે.

બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, વીજ કાયદામાં સૂચિત પ્રસ્તાવિત સંશોધનથી વિતરણ ધંધાથી લાઇસેન્સિંગ ખતમ થશે અને પ્રતિસ્પર્ધા આવશે. સાથે, દરેક કમિશનમાં કાયદાકીય પૃષ્ઠભૂમિના સભ્યની નિમણૂક કરવી જરૂરી રહેશે. ઉપરાંત, વીજળીના અપીલ ટ્રિબ્યુનલ (એપ્ટેલ) ને મજબૂત કરવા અને નવીનીકરણીય ખરીદી પ્રતિબદ્ધતા (આરપીઓ)ને પરિપૂર્ણ નહીં કરવા પર દંડ લાદવાની જોગવાઈ પણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર વીજ ક્ષેત્રમાં ઝડપથી સુધારાની ઇચ્છા ધરાવે છે. તેથી, સરકાર બિલને વહેલી તકે અમલમાં મૂકવા માંગે છે.

શુક્રવારનો દિવસ સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ હતો. બંને સદનોમાં ભારે હોબાળો મચી ગયો હતો. હોબાળો થતાં લોકસભા ૨૬ જુલાઇ સુધી મુલતવી રાખવામાં આવી હતી. સમગ્ર સત્ર માટે ટીએમસીના સાંસદ શાંતનુ સેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ટીએમસી સાંસદ પર કેન્દ્રીય પ્રધાન સાથે અભદ્ર વર્તનનો આરોપ છે.

અહીં, લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું કે, રસીકરણ અંગે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ.

(9:21 pm IST)