Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સાઉદીમાં મહિલાઓને સ્વતંત્રતા મળતાં બોયકટ હેર સ્ટાઈલનો ક્રેઝ

સાઉદીમાં અગાઉ ક્યારેય ના જોવા મળ્યા હોય તેવા દ્રશ્યો : સાઉદી અરબના એક મહિલા તબીબનો બોયકટ હેરસ્ટાઈલ સાથેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે

દુબઈ, તા.૨૫ : સાઉદી અરબમાં અગાઉ ક્યારેય ના જોવા મળ્યા હોય તેવા દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને દેશની કટ્ટર ઈમેજ બદલવા માટે એક પછી એક ઉદાર મતવાદી નિર્ણયો કરવા માંડ્યા છે. જેના ભાગરુપે મહિલાઓને ઘરમાંથી બહાર નીકળીને કામ કરવાની છુટ છે તેમજ બુરખા અને હિજાબ વગર દેશના રસ્તાઓ પર ફરવા માટે પણ છુટ આપવામાં આવી છે. જેના પગલે મહિલાઓને મનપસંદ હેરસ્ટાઈલ માટે  પણ વિકલ્પ મળી રહ્યા છે.

સાઉદી અરબમાં આજકાલ મહિલાઓમાં બોયકટ હેરસ્ટાઈલ લોકપ્રીય બની રહી છે. સાઉદી અરબના એક મહિલા તબીબનો બોયકટ હેરસ્ટાઈલ સાથેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. ઘરની બહાર નોકરી કે વ્યવસાય કરતી બીજી મહિલાઓ પણ હવે આ પ્રકારની હેરસ્ટાઈલ અપનાવી રહી છે. કારણકે તેમને હિજાબ ફરજિયાત પહેરવામાંથી મુક્તિ મળેલી છે. સાઉદીના ક્રાઉન પ્રિન્સ વિઝન ૨૦૩૦ પર કામ કરી રહ્યા છે અને આ માટે દેશના રુઢિચુસ્ત કાયદાઓ દુર કરીને વધારેમાં વધારે વિદેશી રોકાણ આકર્ષવા માંગે છે.

બોયકટ કરાવનાર મહિલા ડોકટરનુ કહેવુ છે કે, નવા લૂકથી મને ખુશી તો મળી છે પણ પુરુષો મારી સામે તાકી તાકીને જોતા નથી અને હું દર્દીઓની સારવાર યોગ્ય રીતે કરી શકુ છું. દુબઈના એક જાણીતા હેરસ્ટાઈલિસ્ટનુ કહેવુ છે કે, બોયકટ લૂક બહુ લોકપ્રિય બની રહ્યો છે. ખાસ કરીને જે મહિલાઓ હિજાબ નથી પહેરતી તેમની વચ્ચે આ સ્ટાઈલની ડીમાન્ડ વધી ગઈ છે. સાઉદી અરબમાં હવે મહિલાઓને ડ્રાઈવિંગની તેમજ રમત ગમત અને સંગીતના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પણ મંજૂરી અપાયેલી છે.

(7:48 pm IST)