Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

બડગામમાં આતંકવાદીઓની કાયરતા: ટીવી કલાકાર અમરીન ભટની ગોળી મારી હત્યા:10 વર્ષના ભત્રીજાને પણ ગોળી વાગી

આતંકવાદીઓએ ચદૂરા વિસ્તારમાં અમરીન ભટના ઘર પર ગોળીબાર કર્યો હતો

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ટીવી કલાકાર અમરીન ભટની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકીઓના ગોળીબારમાં તેમનો ભત્રીજો પણ ઘાયલ થયો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 7.55 વાગ્યે, આતંકવાદીઓએ ચદૂરા વિસ્તારમાં અમરીન ભટ નામની મહિલાના ઘર પર ગોળીબાર કર્યો હતો. આ પછી અમરીનને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઘરમાં રહેલા તેમના 10 વર્ષના ભત્રીજાને હાથમાં ગોળી વાગી હતી.

પોલીસે કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના ત્રણ આતંકવાદીઓ આ જઘન્ય અપરાધમાં સામેલ છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેસ નોંધ્યા બાદ તપાસ ચાલુ છે.” જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અમરીનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

આ પહેલા મંગળવારે શ્રીનગરના સૌરા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ કોન્સ્ટેબલને તેના ઘરની બહાર ગોળી મારી દીધી હતી.

આ દરમિયાન તેમની સાત વર્ષની પુત્રીને ઈજા થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ કોન્સ્ટેબલ સૈફુલ્લાહ કાદરી પર ગોળીબાર કર્યો જ્યારે તે તેની પુત્રીને ટ્યુશનમાં મૂકવા જઈ રહ્યો હતો.

આતંકવાદીઓએ આ પહેલા 13 મેના રોજ પુલવામામાં પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદની તેના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જયારે આના એક દિવસ પહેલા, 12 મેના રોજ આતંકવાદીઓએ બડગામમાં સરકારી કર્મચારી રાહુલ ભટની ઓફિસમાં ઘૂસીને હત્યા કરી હતી.

(10:13 pm IST)