Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

દિલ્હીમાં એન્કાઉન્ટર, બોક્સર ગેંગનો શાર્પશૂટર અંતે ઝડપાયો

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની મોટી કાર્યવાહી બંને તરફથી થયેલા ગોળીબારમાં શાર્પશૂટર સંદીપને પગમાં ગોળી વાગી છે અને તે ગંભીર રીતે ઘાયલ, પોલીસને ગોળી વાગ્યાના અહેવાલ નથી

નવી દિલ્હી,તા.૨૫ :       : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે વહેલી સવારે નરેલા વિસ્તારમાં ભારે મોટી એક્શન લીધી હતી. પોલીસે સવારના સમયે એક્નાઉન્ટર દ્વારા જિતેન્દ્ર ગોગી-દીપક બોક્સર ગેંગના શાર્પશૂટર સંદીપને ઝડપી લીધો હતો. બંને તરફથી થયેલા ગોળીબારમાં શાર્પશૂટર સંદીપને પગમાં ગોળી વાગી છે અને તે ગંભીર રીતે ઘવાયો છે. હાલ પૂરતું કોઈ પોલીસકર્મીને ગોળી વાગ્યાની સૂચના નથી મળી.

દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે સ્પેશિયલ સેલે નરેલા ખાતે એક્નાઉન્ટર બાદ જિતેન્દ્ર ગોગી-દીપક બોક્સર ગેંગના શાર્પશૂટર સંદીપની ધરપકડ કરી લીધી છે. તેના પાસેથી એક સેમી ઓટોમેટિક પિસ્તોલ મળી આવી છે. જાણવા મળ્યા મુજબ ધરપકડ કરવામાં આવી છે તે આરોપી સંદીપ ઉર્ફે બસી વોન્ટેડ હતો અને ૫થી વધારે જઘન્ય ગુનાઓમાં ફરાર હતો. તે પૈકીના એક સનસનીખેજ ગોળીબારમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી.  દિલ્હીમાં ૫ દિવસ પહેલા પણ ગોળીબારના અવાજ સંભળાયા હતા. દિલ્હીના વજીરાબાદ વિસ્તારમાં સંક્ષિપ્ત અથડામણ બાદ એક આંતરરાષ્ટ્રીય ટોળકીના ૩ સદસ્યોની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ટિલ્લુ તાજપુરિયા-પરવેશ માન અને નીરજ બવાના ટોળકીના શાર્પ શૂટર છે. તેઓ પોતાના પ્રતિદ્વંદીઓ અને તેમના પરિવારજનો પર એક મોટો હુમલો કરવા ષડયંત્ર રચી રહ્યા હતા.

(8:21 pm IST)