Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ઈમરાનના સમર્થકો પાસેથી હથિયાર મળ્યા, નેતાની ધરપકડના ભણકારા

સત્તા ગુમાવ્યા બાદ ઈમરાન ખાનની મુશ્કેલી વધી : : ઈમરાન ખાન સરકારના વિરોધમાં આઝાદી માર્ચ યોજવાના છે અને તેના પહેલા શરીફ સરકારે ઈસ્લામાબાદ તરફના રસ્તાઓ પર વિશાળ ટ્રકો આડી મુકી દીધી

કરાંચી,તા.૨૫ : પાકિસ્તાનમાં સત્તા ગુમાવ્યા બાદ ઈમરાનખાન નવા વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકારનો સતત વિરોધ કરી રહ્યા છે.

ઈમરાન ખાન સરકારના વિરોધમાં આઝાદી માર્ચ યોજવાના છે અને તેના પહેલા શરીફ સરકારે ઈસ્લામાબાદ તરફના રસ્તાઓ પર વિશાળ ટ્રકો આડી મુકી દીધી છે. જેથી ઈમરાન ખાનની પાર્ટી તહેરિક એ ઈન્સાફના સમર્થકોને રોકી શકાય.

તેની વચ્ચે નવાઝ શરીફની પુત્રી મરિયમે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે, પીટીઆઈના નેતાઓ પાસેથી એકે-૪૭ , અમેરિકન બંદુકો અને હથિયારોનો મોટો જથ્થો તથા વિસ્ફોટકો પોલીસને મળી આવ્યા છે.

પાકિસ્તાની મીડિયાના અનુમાન પ્રમાણે ઈમરાન ખાનને રોકવા માટે પોલીસ તેમની અટકાયત કરે તેવી શક્યતા છે.

આ પહેલા ઈમરાખાન કહી ચુકયા છે કે, પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી મોટી રેલી હું કાઢવા જઈ રહ્યો છું. બીજી તરફ પાકિસ્તાનના વિવિધ શહેરોમાંથી પોલીસે ઈમરાન ખાનના ઘણા સમર્થકોની અટકાયત કરી છે. ઈસ્લામાબાદની સુરક્ષા માટે આર્મીને પણ તૈનાત કરવામાં આવી છે.

આ સંજોગોમાં જો પરિસ્થિતિ વણસી તો ઈમરાન ખાનના સમર્થકો અને પાક સેના આમને સામને આવી શકે છે.

પોલીસે રેલી નીકળે તે પહેલા ઈમરાન ખાનની પાર્ટીના ૬૦૦ જેટલા નેતાઓની ધરપકડ કરી છે. તેમને ઓછામાં ઓછા ૯૦ દિવસ જેલમાં રાખી શકાય તેવી જોગવાઈ છે.

 

 

 

(8:15 pm IST)