Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વધુ પડતા તાપમાં આંખોને નુકશાન ન થાય તે માટે કાળજી રાખવી અત્‍યંત જરૂરી

એલર્જી, રેડનેસ, કંઝંક્ટિવાઈટિસ અને માઇગ્રેનની સમસ્‍યા થવાની શક્‍યતા

નવી દિલ્‍હીઃ ધોમધખતા તાપમાં બહાર નીકળો ત્‍યારે આંખોની ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે.

કાળઝાળ ગરમીમાં ઘરની બહાર નીકળવું તે સ્વાસ્થ્યની સાથે સાથે આંખોને પણ નુકસાન પહોંચાડે છે. વધારે તાપમાનમાં લોકોને આંખો સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને એલર્જી, રેડનેસ, કંઝંક્ટિવાઈટિસ અને માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. ત્યારે આવામાં આંખોની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે.

ગરમીમાં આવી રીતે રાખો આંખોની સંભાળઃ

સનગ્લાસ પહેરોઃ

તડકામાં જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે હંમેશા સનગ્લાસનો ઉપયોગ કરો. જે તમને યૂવી પ્રોટેક્શન આપશે. સનગ્લાસિસ યૂવી કિરણોથી બચાવે છે. જ્યારે સનગ્લાસિસ ખરીદો ત્યારે મોટી સાઈઝના લો જેથી આંખોની આસપાસનો ભાગ સારી રીતે કવર થઈ જાય.

કેપ પહેરવાનું રાખોઃ

બપોરના કાળઝાળ તડકામાં બહાર નીકળો છો તો હેટ અથવા કેપનો ઉપયોગ કરો. હંમેશા થોડી મોટી ટોપી પહેરવાનું રાખો જેથી ચહેરા અને આંખો પર સીધો તડકો ન આવે.

લીલા શાકભાજી ખાવઃ

લીલા શાકભાજી ખાવાથી આંખોની રોશની તેજ થાય છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટ તમારી દ્રષ્ટિને સારી રાખવામાં મદદ કરે છે. સાથે જ તમને હાઈડ્રેટેડ રાખવાનું કામ કરે છે.

શરીરને હાઈડ્રેડ રાખોઃ

ગરમીમાં ડિહાઈડ્રેશન થવાની સમસ્યા સામાન્ય છે. જે ઘણીવાર મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. ડિહાઈડ્રેશન માત્ર શરીરને જ નહીં આંખોને પણ અસર કરે છે. તેનાથી આંખોમાં બળતરા અને રેડનેસ થઈ શકે છે. એટલા માટે ઘરની બહાર નીકળો ત્યારે વધારે પાણી પીવાનું રાખો.  તે સિવાય નારિયેળ પાણી અને ફ્રૂટ્સ ખાવાનું પણ રાખો.

દિવસે બહાર નીકળવાનું ટાળોઃ

જો શક્ય હોય તો બપોરના સમયે ઘર અને ઓફિસની અંદર જ રહો. કેમ કે, બપોરના સમયે તડકો ખૂબ જ વધારે હોય છે. જે તમને નુકસાન પહોંચાડી શકે છે.

પૂરતી ઊંઘ લોઃ

ભારે તડકો તમારી અને આંખોની એનર્જી ઓછી કરી નાખે છે. જેના કારણે તમારી આંખો થાક અનુભવે છે. જેથી તમે વારંવાર આંખોને ચોળો છો. તેનાથી આંખોને ઈન્ફેક્શન થઈ શકે છે. આંખોના થાકને દૂર કરવા માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

(5:41 pm IST)