Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જમ્‍મુ - કાશ્‍મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી

બારામુલ્લા એન્‍કાઉન્‍ટર : ૩ પાકિસ્‍તાની આતંકીઓનો ખાત્‍મો : એક જવાન શહીદ

નવી દિલ્‍હી તા. ૨૫ : જમ્‍મુ અને કાશ્‍મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કાશ્‍મીરના આઈજીપી વિજય કુમારે આપેલી માહિતી મુજબ એન્‍કાઉન્‍ટરમાં ત્રણ પાકિસ્‍તાની આતંકીઓનો ખાતમો કરાયો છે. જયારે જમ્‍મુ કાશ્‍મીર પોલીસના એક જવાન શહીદ થયા છે.ᅠ

બારામુલ્લાના ક્રિરી વિસ્‍તારના નજીભટ ક્રોસિંગ પાસે આજે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ પાકિસ્‍તાની આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. આ ત્રણેય આતંકીઓ ઘૂસણખોરી કરીને આવ્‍યા હતા. એક પોલીસકર્મી પણ શહીદ થયો. અત્રે જણાવવાનું કે કાશ્‍મીરમાં હવે આતંકીઓએ ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે. ગઈ કાલે શ્રીનગરના સૌરા વિસ્‍તારમાં આતંકીઓએ એક પોલીસ કોન્‍સ્‍ટેબલને ઘરની બહાર ગોળીએથી વિંધી નાંખ્‍યો. આ ઘટનામાં પોલીસકર્મી શહીદ થયો અને તેની સાત વર્ષની પુત્રી ઘાયલ થઈ હતી.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે કોન્‍સ્‍ટેબલ સૈફુલ્લા કાદરી તેની પુત્રીને ટ્‍યુશન છોડવા જઈ રહ્યો હતો ત્‍યારે આતંકીઓએ તેને નિશાન બનાવ્‍યો. આ મહિનામાં ત્રીજા પોલીસકર્મીની આતંકીઓએ હત્‍યા કરી છે. શ્રીનગરના અનચાર વિસ્‍તારના ગનઈ મોહલ્લામાં કાદરીનું ઘર આવેલુ છે. ઘરની બહાર જ આતંકીઓએ તેના પર હુમલો કર્યા બાદ કાદરી અને તેની પુત્રીને હોસ્‍પિટલ લઈ જવાયા જયાં કાદરીનું મોત થઈ ગયું. બાળકીને હાથમાં ગોળી વાગી છે પરંતુ હાલ તેની કન્‍ડિશન સારી છે.

(4:07 pm IST)