Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

'ગાય માતા'ના પેટમાં ૭૧ કિલો પ્લાસ્ટિક અને સોઈ, ગ્લાસના ટુકડા મળ્યા

ગાયના પેટનો એકસ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કરાતાં ડોકટરોના હોશ ઊડી ગયાઃ ૪ કલાકની મહેનત બાદ ૭૧ કિલોગ્રામ કચરો બહાર કાઢયો : પ્લાસ્ટિકની થેલીમાં ખાવાનું ફેંકતા બિચારૂ અબોધ પ્રાણી પ્લાસ્ટિક સાથે જ ખાઈ જાય છે

ફરીદાબાદ, તા.૨૫: સરકારના તમામ પ્રયાસો બાદ પણ પોલિથીન ના ઉપયોગ પર પ્રતિબંધ નથી લાગી શકયો. આ જ કારણ છે કે પર્યાવરણની સાથે જ તે રસ્તે રઝળતા પશુઓ  પર તેની અસર જોવા મળી રહી છે અને તેમને ભોગવવું પણ પડી રહ્યું છે. હાલમાં જ હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં એક દુર્દ્યટનામાં દ્યાયલ થયેલી ગાયની સર્જરી કરવામાં આવી. આ દરમિયાન તેના પેટમાંથી ૭૧ કિલોથી વધુ પોલિથીન કાઢવામાં આવી અને સાથોસાથ કચરો પણ કાઢવામાં આવ્યો. ગાયના પેટમાંથી પોલિથીન, સોય, સિક્કા, પથ્થર અને ખીલ્લી પણ મળી આવી છે.

દેવઆશ્રય હોસ્પિટલના ડોકટર અતુલ મોર્યના જણાવ્યા મુજબ, ગાયની સર્જરી સફળ રહી પરંતુ તે હજુ ખતરાથી બહાર નથી. આગામી ૧૦ દિવસ ખૂબ જ અગત્યના રહેશે. નોંધનીય છે કે ડોકટર અતુલ સાત વર્ષીય ગાયની સર્જરી કરનારી ત્રણ સભ્યોની ટીમનો હિસ્સો હતા.

અમારા સહયોગી 'ટાઇમ્સ ઓફ ઈન્ડિયા' અનુસાર ગાયને એનઆઇટી-૫ ફરીદાબાદથી રેસ્કયૂ કરવામાં આવી હતી. જયાં એક કારે ગાયને ટક્કર મારી દીધી હતી. ગાયને ફરીદાબાદની દેવઆશ્રય હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જયાં ગાય દુખાવાના કારણે પોતાના પેટ પર લાત મારી રહી હતી. ત્યારબાદ ગાયનો એકસ-રે અને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવામાં આવ્યો. ટેસ્ટમાં ગાયના પેટની અંદર હાનિકારક પદાર્થો હોવાની પુષ્ટિ થઈ હતી.

ગાયના પેટના ચાર હિસ્સાઓને સાફ કરવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો, જેમાં મોટાભાગમાં પોલિથીન હતી. ડોકટરોનું કહેવું છે કે ગાયનું પાચન તંત્ર જટિલ છે. જો પોલિથીન લાંબા સમય સુધી તેમાં રહે છે તો તે પેટ સાથે ચોંટી જાય છે. તેનાથી હવા ભરાઈ શકે છે. આ સ્થિતિમાં એક પશુ પડી શકે છે અથવા તો પેટને લાત મારવાનું શરૂ કરી શકે છે, પરંતુ પશુના પેટની અંદર ૭૧ કિલો કચરો ખોવો ખતરનાક બાબત છે.

(3:59 pm IST)