Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જીએસટીનું વાર્ષિક અને ઓડીટ રીટર્ન ફોર્મ ભરવા માટે મુદત માગે છે વેપારીઓ

અંતિમ તારીખ વધારવા માંગણી

નવી દિલ્હી, તા.૨૫: વેપારીઓને જીએસટીનું વાર્ષિક રીટર્ન અને ઓડીટ રીટર્ન ફોર્મ ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે તેમણે આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ વધારવાની સરકાર પાસે માંગણી કરી છે. વેપારીઓનું કહેવું છે કે લોકડાઉન દરમ્યાન થયેલ તકલીફો અને આ ફોર્મ મોડેથી ઉપલબ્ધ થવાના કારણે તેને નક્કી કરાયેલ સમયમાં ભરવા મુશ્કેલ છે એટલે તેની અંતિમ તારીખ લંબાવવામાં આવે.

નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૨ થી ૫ કરોડનો વાર્ષિક બીઝનેસ કરનાર વેપારીઓને વાર્ષિક રીટર્ન ફોર્મ ૯ ભરવાનું છે. જયારે પાંચ કરોડથી વધારે બીઝનેસ કરનારાઓએ ફોર્મ ૯ ની સાથે સાથે ઓડીટ રિટર્ન ફોર્મ ૯-સી પણ ભરવાનું છે.

દિલ્હી વેપારી મહાસંધના પ્રમુખ દેવરાજ બવેજાએ જણાવ્યું કે કોરોનાના કારણે લાગેલા પ્રતિબંધોના લીધે આ ફોર્મને સરકાર દ્વારા નકકી કરાયેલ સમયમાં ભરવા મુશ્કેલ બનશે. એટલે સરકારે ૨૮ ફેબ્રુઆરીની ફોર્મ ભરવાની અંતિમ તારીખને લંબાવવી જોઇએ. સેલ્સ ટેક્ષ બાર એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ સંજય કુમાર શર્માએ કહ્યું કે સરકારે આ ફોર્મ ડીસેમ્બરમાં ઉપલબ્ધ કરાવ્યા છે. ત્યારે આટલા ઓછા સમયમાં આ બન્ને ફોર્મ ભરવા સહેલા નથી. તેમાં કેટલીક નથી માહિતીઓ પણ માંગવામાં આવી છે. જેમ કે પહેલા ઇમ્પુટ ટેક્ષ ક્રેડીટની સામાન્ય માહિતી માંગવામાં આવતી હતી. હવે તેનો બ્રેકઅપ પણ માંગવામાં આવે છે. વેપારીઓ તથા ટેક્ષના વકીલોને તેને સમજવામાં અને તેને ભરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. એટલે સરકારે આ ફોર્મ ભરવા માટે ૩૦ જૂન સુધીનો સમય આપવો જોઇએ.

(12:41 pm IST)