Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કોરોનાની ડરામણી રફતારઃ ફરી ઘરોમાં કેદ થઈ શકે છે જીંદગી

એક વર્ષથી કાળમુખો કોરોના કેડો મુકતો નથીઃ દેશમાં પહેલીવાર ૧૨ જૂન ૨૦૨૦એ ૧૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતાઃ હવે ફરી આ આંકડો પાર કરી ગયો : મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબમાં કોરોનાનો બિહામણો નાચઃ લોકડાઉન, પ્રતિબંધો, કર્ફયુ વગેરે લાગુ

નવી દિલ્હી, તા. ૨૫ :. દુનિયાભરમાં છેલ્લા ૧ વર્ષથી કોરોના વાયરસનો કહેર ચાલુ છે. ભારતમાં લગભગ ૧ વર્ષથી આ મહામારી સામે જંગ લડવામાં આવે છે. દેશમાં ફરી એક વખત સંક્રમણના વધતા મામલાઓએ ચિંતા વધારી દીધી છે. જ્યાં ગયા વર્ષે દેશમાં વાયરસના પ્રસારને રોકવા માટે લાગુ લોકડાઉન વચ્ચે પહેલીવાર ૧૨ જૂન ૨૦૨૦ના રોજ ૧૦,૦૦૦થી વધુ કેસ નોંધવામા આવ્યા હતા તો હવે જીંદગી પાટા પર પાછી ફર્યા બાદ ફરી એક વખત ઘરોમાં કેદ થતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને કેરળ સહિત અનેક રાજ્યોમાં હાલત ભયાનક થઈ ગઈ છે. સંક્રમણના દૈનિક કેસ ફરી એક વખત ૧૦,૦૦૦ની પાર પહોેંચી ગયા છે. હાલમાં જ નોંધવામાં આવેલા સંક્રમણના ૮૬ ટકા નવા કેસ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબમાંથી આવ્યા છે. કોરોનાના ઝડપથી વધતા કેસને જોતા કડક પ્રતિબંધોનો સીલસીલો ફરી એક વખત શરૂ થઈ ગયો છે. અનેક રાજ્યોએ પ્રતિબંધો મુકી દીધા છે.

મહારાષ્ટ્રમાં અમરાવતી જિલ્લામાં એક સપ્તાહ માટે લોકડાઉન છે, તો નાગપુરમાં ૭ માર્ચ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યુ છે. પૂણેમાં પણ સ્કૂલ, કોલેજ અને કોેચીંગ કલાસ બંધ કરી દેવાયા છે. રાત્રે ૧૧ વાગ્યાથી ૫ વાગ્યા સુધી લોકોને બહાર નિકળવાની મનાઈ છે. મહારાષ્ટ્રના અકોલા, વાસીમ, બલઢાડા અને યવતમાલમાં પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ૪ મહિના બાદ મહારાષ્ટ્રમાં ૯૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. મુંબઈમાં ૨૪ કલાકમાં ૧૧૦૦ નવા કેસ નોંધાયા છે. અમરાવતીમાં એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. મહારાષ્ટ્રમાં ડરામણી સ્થિતિ છે. ૨૪ કલાકમાં ૮૦ લોકોના મોત થયા છે. મુંબઈમાં ૧૧૯ દિવસ બાદ ૧૦૦૦ કેસનો આંકડો પાર થયો છે. મુંબઈ એરપોર્ટ, રેલ્વે સ્ટેશનોે પર તકેદારી વધારવામાં આવી છે.

દિલ્હી સરકારે મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબથી આવતા લોકો માટે તપાસ ફરી શરૂ કરી છે જે ૧૫ માર્ચ સુધી ચાલુ રહેશે. દિલ્હીમાં ૨૦૦ લોકોને કોરોના થયો છે.

મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધતા કડક પ્રતિબંધો અમલી બનાવાયા છે. બાલાઘાટ અને છીંદવાડામા રાત્રી કર્ફયુ લદાયો છે. રાજ્યમાં માસ્ક સહિત કોરોના બચાવનુ કડક પાલન કરવાના આદેશો અપાયા છે. જાહેર કાર્યક્રમો માટે મંજુરી ફરજીયાત બનાવવામાં આવી છે.

કર્ણાટકમાં પણ પ્રતિબંધો લદાયા છે. મેરેજ હોલમાં માર્શલની તૈનાતી કરવામાં આવી છે. ૫૦થી વધુ લોકો ભેગા થવા નથી દેવાતા. બધા માટે માસ્ક ફરજીયાત બનાવવામાં આવેલ છે. બહારથી આવતા લોકો માટે ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવેલ છે.

(10:59 am IST)