Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

GSTના વિરોધમાં કાલે ભારત બંધનું એલાન ટ્રાન્સપોર્ટરોની ચક્કા જામ કરવાની જાહેરાત

GST સંપૂર્ણ રીતે નિષ્ફળ કર પ્રણાલીના આક્ષેપ : GSTના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ

નવી દિલ્હી :કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ GSTના મામલે આવતીકાલે 26 ફેબ્રુઆરીએ ભારત વેપાર બંધની જાહેરાત કરી છે. આ બંધના સમર્થનમાં, પરિવહન ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશને 26 ફેબ્રુઆરીએ ભારત વેપાર બંધને ટેકો આપતા ચક્કા જામ કરવાની જાહેરાત કરી છે.

CAIT હેઠળ આવતા દેશના 8 કરોડથી વધુ ઉદ્યોગપતિઓ આ બંધનું સમર્થન કરશે. આ સાથે જ ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન પણ આ બંધમાં જોડાશે.

આ જાહેરાત CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ સાથે ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદીપ સિંઘલે સંયુક્ત રીતે કરી છે. ભરતીયા અને ખંડેલવાલે GST કાઉન્સિલ પર પોતાના ફાયદા માટે જીએસટીને જટિલ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે જીએસટી સંપૂર્ણ રીતે નિષ્ફળ કર પ્રણાલી છે.

જીએસટીના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ કરાઈ છે. તમામ રાજ્ય સરકારો તેમના હિતો માટે વધુ ચિંતિત છે અને તેઓ ટેક્સ પ્રણાલીને સરળ બનાવવા અંગે ચિંતિત નથી. વેપાર કરવાને બદલે દેશના વેપારીઓ આખો દિવસ જીએસટી ટેક્સ પાછળ વિતાવે છે, જે દેશના અર્થતંત્રની વિરુદ્ધ પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં જીએસટીના હાલના સ્વરૂપ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.

(10:26 am IST)