Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

કેરળના ઝાકીર નાઇકના નામથી જાણીતા ઇસ્લામિક ઉપદેશક અકબરની હૈદરાબાદથી ધરપકડ

અકબર ઓસ્ટ્રેલિયાથી હૈદારાબાદ આવ્યા હતા :સોમવારે દોહાની ફ્લાઈટમાં જવાના હતા : અકબરના દેશ છોડતા પહેલા પોલીસે તેમને પકડી લીધા

કેરળના ઝાકિર નાઈકના નામથી જાણીતા ઈસ્લામિક ઉપદેશક અને પીસ ઈન્ટરનેશનલ સ્કૂલના નિદેશક એમ. એમ. અકબરને પોલીસે રવિવાર રાત્રે હૈદારાબાદથી ધરપકડ કરી હતી પોલીસ સૂત્રો મુજબ અકબર ઓસ્ટ્રેલિયાથી હૈદારાબાદ આવ્યા હતા અને અહીંથી સોમવારે દોહાની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હતા જો કે અકબરના દેશ છોડતા પહેલા પોલીસે તેમની ધરપકડ કરી છે. અકબરને હૈદરાબાદથી કેરળ લાવવાની તૈયારી થઇ રહી છે
  જાન્યુઆરી માસમાં એમ. એમ. અકબર ચર્ચામાં આવ્યા હતા. કેરળ સરકારે વિભિન્ન સમુદાયો વચ્ચે ધર્મના આધારે નફરત ફેલાવાના આરોપ હેઠળ કોચ્ચિ ખાતેની તેમની સ્કૂલને બંધ કરાવી હતી. કેરળના 21 લોકો કથિતપણે અફઘાનિસ્તાન અને સીરિયા જઈને આઈએસ સાથે જોડાયા હતા ત્યારે પણ અકબર ચર્ચામાં આવ્યા હતા. લાપતા થયેલા લોકોમાં પીસ સ્કૂલનો એક કર્મચારી અબ્દુલ રશીદ પણ હતો. તેને આ જૂથનો આગેવાન માનવામાં આવતો હતો. રશીદની સાથે તેની પત્ની યાસમીન અહમદ પણ લાપતા થઈ હતી.તે પણ આ સ્કૂલમાં જ ભણાવતી હતી. 

  અકબર પીસ ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રબંધ નિદેશક છે અને કેરળના વિભિન્ન જિલ્લાઓમાં તેની 13 શાખાઓ છે.અહેવાલ મુજબ આ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણાવવામાં આવતા પુસ્તકને લઈને વિવાદ થયો હતો. આ પુસ્તકના એક પ્રકરણમાં કથિતપણે ઈસ્લામિક રુઢીવાદ અને ધર્માંતરણને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી હતી. આ મામલામાં તપાસ ટીમે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમણે કથિતપણે કબૂલાત કરી હતી કે તેમનું લક્ષ્ય પાંચથી તેર વર્ષના બાળકોમાં કટ્ટરવાદી વિચારોને પ્રોત્સાહન આપવાનું હતું.

(6:27 pm IST)