Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

એન્ટી હિન્દુ, બૌધ અને શીખ ફોબિયા ગંભીર ચિંતાનો વિષય

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તિરૂમુર્તિનું નિવેદન : ખતરાથી નિપટવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને દરેક સભ્ય દેશોને ધ્યાન આપવાની જરૂર હોવા પર ભાર મૂકતા રાજદ્વારી

નવી દિલ્હી, તા.૨૫ : જૂન ૨૦૨૧માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તરફથી પસાર થયેલી ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ સ્ટ્રેટેજી (જીસીટીએસ)ની સાતમી સમીક્ષાનો ઉલ્લેખ કરતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટી. એસ. તિરૂમુર્તિએ કહ્યું, ધર્મ વિરોધી, ખાસ કરીને એન્ટી હિન્દુ, એન્ટી બૌદ્ધ અને એન્ટી શીખ ફોબિયાનો જન્મ એક ગંભીર ચિંતાનો વિષય છે અને આ ખતરાથી નિપટવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને દરેક સભ્ય દેશોને ધ્યાન આપવાની જરૂરિયાત છે.  તેઓ દિલ્હી સ્થિત ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરી રહ્યા હતા.  તિરૂમુર્તિએ આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રની કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ (સીટીસી)ની અધ્યક્ષતા સંભાળી છે જેનું ગઠન ૨૦૦૧માં અમેરિકામાં ૯/૧૧ ટ્વિન ટાવર હુમલા બાદ કરવામા આવ્યું હતું. તિરૂમુર્તિએ આ કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ કર્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે સંબોધિત કરી રહ્યા છે, સીટીસીના અધ્યક્ષ તરીકે નહીં. પરંતુ સાથે તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે સુરક્ષા પરિષદને નવી શબ્દાવલી અને બિનજરૂરી પ્રાથમિકતાઓથી સાવધાન રહેવાની જરૂરિયાત છે જે આપણું ધ્યાન ભંગ કરી શકે છે. તિરૂમૂર્તિએ કહ્યું, આતંકવાદી તો માત્ર આતંકવાદી હોય છે , તેમા સારા કે ખરાબનો કોઇ ભેદ હોતો નથી. જેઓ આ ભેદની વાત કરે છે તેમનો માત્ર એક એજન્ડા હોય છે. અને જે લોકો તેમનો બચાવ કરે છે તેઓ પણ બરાબર દોષિત છે. આપણે આ લડાઇમાં બેવડું વલણ ન અપનાવવું જોઇએ. ડિસેમ્બર ૨૦૨૦માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ- 'અંતર્ધાર્મિક અને અંતર-સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન, શાંતિ માટે સમજ અને સહયોગને વધારવોલ્લને મંજૂરી આપી હતી, જેમાં ઇસ્લામોફોબીયા, યહૂદી વિરોધ અને ક્રિશ્યનોફોબિયા પર વાત કરવામા આવી હતી જે અબ્રાહમિક અને બિન અબ્રાહમિક ધર્મો વિષે ચર્ચાને આગળ વધારે છે. તિરૂમૂર્તિએ કહ્યું, 'છેલ્લા બે વર્ષોથી ઘણા સભ્ય દેશ તેમની રાજકીય, ધાર્મિક અને અન્ય વાતોથી પ્રેરિત

થઇને આતંકવાદને વંશીય અને જાતિય સ્વરૂપથી પ્રેરિત હિંસા, હિંસક રાષ્ટ્રવાદ, દક્ષિણપંથી ઉગ્રવાદ વગેરે શ્રેણીઓમાં વિભાજિત કરવો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ પ્રવૃત્તિઓ ઘણા કારણોથી ખતરનાક છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાઉન્ટર ટેરરિઝમ સ્ટ્રેટેજી (યુએનજીસીટીએસ) શબ્દાવલીમાં ૨૦૧૯ના અંત અને ૨૦૨૦ની શરૂઆતમાં ઇસ્લામોફોબિયા અને ક્રિશ્યનોફોબિયા જેવા શબ્દ સામેલ થયા બાદ ભારત પણ હિન્દુ, બૌદ્ધ અને સિખો વિરુદ્ધ થયેલી હિંસાને માન્યતા આપવા માટે ભાર મૂકી રહ્યું છે. તિરૂમૂર્તિએ કહ્યું, અલકાયદાની સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવી આતંકવાદી સંસ્થાઓ સાથે સંબંધ મજબૂત થઇ રહ્યા છે. આફ્રીકામાં ક્ષેત્રીય સ્તર પર તેના સહયોગી સમૂહોનો વિસ્તાર થઇ રહ્યો છે.   સાથે તેમણે કહ્યું કે ઓગસ્ટ ૨૦૨૧માં ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ ૨૫૯૩ (૨૦૨૧)ને અપનાવવામા આવ્યો હતો જેમાં અફઘાનિસ્તાન પર સામૂહિક ચિંતાની વાત કરવાની સાથે તાલિબાનના કબજાને લીધે ત્યાં ઉદ્ભવી રહેલા આતંકવાદના ખતરા અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરવામા આવ્યું છે.

(7:52 pm IST)