Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ભેદભાવવિરોધી નીતિમાં જાતિના સમાવેશનો વિરોધ

કેલેફોર્નિયા યુનિ.ના ૮૦થી વધુ ફેકલ્ટી મેમ્બર્સનો વિરોધ : ભારતીય અને સાઉથ એશિયાઈ વારસો ધરાવતતા હિંદુ સમાજને લક્ષ્યાંક બનાવવામાં આવશે એવો ભય વ્યક્ત કર્યો

વોશિંગ્ટન, તા.૨૫ : અમેરિકાની પ્રતિષ્ઠિત કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના ૮૦થી પણ વધુ ફેકલ્ટી મેમ્બરોએ જાતિનો ભેદભાવવિરોધી નીતિમાં સમાવેશ કરવાની તાજેતરની જાહેરાતનો વિરોધ કર્યો છે. તેમણે આ પગલું ગેરમાર્ગે દોરનારુ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે વાસ્તવમાં તેના લીધે તો ભેદભાવ વધશે, કારણ કે તેમા ગેરબંધારણીય રીતે ભારતીય અને સાઉથ એશિયાઈ વારસો ધરાવતતા હિંદુ સમાજને લક્ષ્યાંક બનાવવામાં આવશે. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી (સીએસયુ)એ તાજેતરમાં જાહેર કરેલી ભેદભાવ વિરોધી નીતિ મુજબ જાતિગત વ્યવસ્થાના અત્યાચારનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ હવે દલિત વિરોધી પૂર્વગ્રહનું રિપોર્ટિંગ કરી શકશે, જેમા ઘણા વિદ્યાર્થીઓ સાથે નિયમિત રીતે આ પ્રકારની ઘટના ઘટતી હોવાનું કહેવાય છે. ઇક્વિટી લેબ્સના દલિત સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે જે લોકો ભારતીય સામાજિક વર્ણવ્યવસ્થામાં તળિ છે, તેમની સાથે હજારો વર્ષથી ભેદભાવ આચરવામાં આવી રહ્યો છે અને હિંસા આચરાઈ રહી છે. ભારતમાં તેઓને અસ્પૃશ્ય કહેવાય છે. ભારતમાં આ રીતે જાતિગત ધોરણે તેમની સાથે ભેદભાવને કાયદા દ્વારા પ્રતિબંધિત કરાયો છે, પરંતુ ભારતમાં તેઓની સાથે ભેદભાવ જારી છે. અમેરિકામાં સાઉથ એશિયન વર્તુળમાં પણ આ કાર્યપ્રણાલિ જારી છે.

સીએસયુ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને લખેલા પત્રમાં જાતિને ભેદભાવ વિરોધી નીતિમાં સમાવવાનો વિરોધ કરતાં ફેકલ્ટીના સભ્યોએ લખ્યું હતું કે નવી નીતિમાં લઘુમતી સમાજને નીતિગત ધોરણે અયોગ્ય રીતે લક્ષ્યાંક બનાવાયો છે અને તેમની સાથે આ યોગ્ય વ્યવહાર નથી. જાતિગત બાબત અલગ પ્રકારની સંરક્ષિત કેટેગરી હશે અને તે ભારતીય અને સાઉથ એશિયન નાગરિકોને જ લાગુ પડશે.  સીએસયુ લોંગ બીચ ખાતેના એકાઉન્ટન્સીના પ્રાધ્યાપક પ્રવીણ સિંહાએ જણાવ્યું હતું કે જાતિગત બાબતની લાક્ષણિકતાનો ઉમેરો થતા સર્વગ્રાહી નીતિઓવું અસ્તિત્વ વિસંગત થશે, આ નીતિઓમાં વિવિધ પ્રકારના ભેદભાવ સામે સંરક્ષણ પૂરુ પાડવામાં જ આવ્યું છે.

 

(7:51 pm IST)